News of Wednesday, 26th August 2026
ઉપલેટાના પડવલા ગામે કૌટુંબીક કાકા-ભત્રીજા વચ્ચેની મસ્તી-મજાકનો કરૂણ અંત: ભત્રીજાએ કાકાની છરીના ઘા મારી હત્યા કરી: ધરપકડ
સોહીલે પોતાની પાસે રહેલી છરી વડે અદ્રેમાનની છાતીના ડાબા ઉપરના ભાગે એક ઘા માર્યો:મસ્તી-મજાકમાંથી શરૂ થયેલા વિવાદનો અંત એક પરિવારના સભ્યના મોતમાં થતાં પડવલા ગામમાં ચકચાર મચી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે કૌટુંબીક કાકા-ભત્રીજા વચ્ચેની મસ્તી-મજાકનો કરૂણ અંત આવ્યો છે. મસ્તી દરમિયાન થયેલી બોલાચાલી બાદ ભત્રીજાએ કાકાની છરીના ઘા મારી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. છાતીના ડાબા ભાગે છરીનો ઘા વાગતા અડ્રેમાન નોયડાનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે ભાયાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સોહીલ નોયડાની ધરપકડ કરવામાં આવી છે.
અદ્રેમાન નોયડા અને તેનો કૌટુંબીક ભત્રીજો સોહીલ નોયડા સહિતના વ્યક્તિઓ પડવલા ગામમાં રોડ પર આવેલા પાણીના પરબ પાસે બેઠા હતા. દરમિયાન અદ્રેમાન દોડતો પોતાના ભાઈ મુસા પાસે આવ્યો હતો અને સોહીલે તેને ધારદાર હથિયાર માર્યું હોવાનું જણાવ્યું હતું. અદ્રેમાનની છાતીના ડાબા ઉપરના ભાગેથી લોહી નીકળતું જોવા મળતાં પરિવારજનો તેને તાત્કાલિક ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ અદ્રેમાનને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે ભાયાવદર પોલીસે સોહીલ નોયડા હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોહીલે પોતાની પાસે રહેલી છરી વડે અદ્રેમાનની છાતીના ડાબા ઉપરના ભાગે એક ઘા માર્યો હતો. ઘટના બાદ આરોપી સોહીલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અદ્રેમાન છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે સોહીલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે છરી રાખતો હોવાની માહિતી પણ સામે આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કૌટુંબીક કાકા-ભત્રીજા વચ્ચેની મસ્તી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હતી અને સોહીલ દ્વારા પોતાના કૌટુંબીક કાકા અદ્રેમાનને છરીના ઘા મારવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મસ્તી-મજાકમાંથી શરૂ થયેલા વિવાદનો અંત એક પરિવારના સભ્યના મોતમાં થતાં પડવલા ગામમાં ચકચાર મચી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
