News of Thursday, 27th August 2026
મોરબી ઇન્દિરાનગરના ભાનુબેનનું મગજની ગાંઠના ઓપરેશન બાદ મોત
પરિવારજનોએ તબિબી બેદરકારીનો આક્ષેપ કરતાં રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પતિ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે

રાજકોટ તા. ૨૭: મોરબીના ઇન્દિરાનગરમાં રહેતાં ભાનુબેન દિલીપભાઇ પંચારા-દેવીપૂજક (ઉ.વ.૪૫) નામના મહિલાની તબીયત બગડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી પરોઢે મૃત્યુ થયું હતું. ભાનુબેનનું મોરબીની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. ત્યાંના તબિબે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ થતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
ઇન્દિરાનગરમાં રહેતાં ભાનુબેનને ચક્કર આવતાં હોઇ તા. ૧૮/૮ના રોજ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં તબિબે મગજમાં ગાંઠ હોવાનું કહી ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું. આયુષ્યમાન કાર્ડ પર ઓપરેશન કરાયું હતું. બાદમાં તેમને રજા અપાઇ હતી અને ઘરે હતાં. જયાં તબિયત બગડતાં ફરી મોરબી હોસ્પિટલમાં ખસેડાયેલ અને ફરી ઘરે ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ મૃત્યુ થયું હતું.
પરિવારજનોએ કહ્યું હતું કે કાર્ડમાંથી જે સહાય મળે એ સિવાયનો પણ મોટો ખર્ચો અમારે થયો હતો. છેલ્લે અહિ રાજકોટમાં અવુ નિદાન થયું હતું કે મગજમાં લોહી જ પહોંચતું નહોતું. મોરબીના તબિબે બેદરકારી દાખવતાં અમારા સ્વજનનું મૃત્યુ થયું છે. મોરબી બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનાર ભાનુબેનને સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પતિ શાકભાજી વેંચી ગુજરાન ચલાવે છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
