News of Thursday, 27th August 2026
કચ્છમાં કળિયુગી દાદાની શરમજનક કરતૂત : ૧૪ વર્ષીય સગીર પૌત્રી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર
માતા પિતાનું છત્ર ગુમાવનાર સગી પૌત્રીને ઉછેરનાર દાદાએ બે વર્ષથી કર્યું શારીરિક શોષણ : હિંમત દર્શાવી સગીરાએ પોલીસ સમક્ષ કરી રાવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાંથી માનવતા અને લોહીના સબંધોને લજવતી એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક સગીર વયની પૌત્રીએ તેના જ સગા દાદા સામે શારીરિક શોષણ અને દુષ્કર્મ આચરવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનારની આપવીતી અને ફરિયાદની મળતી માહિતી મુજબ, સગીરાએ હિંમત પૂર્વક પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેના દાદા દ્વારા કરાયેલ કરતૂતોની આપવીતી જણાવી હતી. સગીરાનો આરોપ છે કે તેના સગા દાદાએ પવિત્ર સંબંધને કલંકિત કરીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું. માતા પિતાનું છત્ર ગુમાવનાર સગીરાનું પાલન પોષણ તેના દાદા જ કરતા હતા. પરંતુ પરિવારના જ આ વડીલ દાદા દ્વારા ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપી આ પ્રકારનું શરમજનક કૃત્ય આચરવામાં આવતા સગીરા ભારે માનસિક આઘાતમાં સરી પડી હતી. સગીરાની ફરિયાદના આધારે નખત્રાણા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી દાદા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તેમજ પૉક્સો (POCSO - પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.પોલીસે સગીરાનું તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) કરાવવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી દાદાની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને આ સંવેદનશીલ કેસમાં ન્યાયિક અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
