<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભાદર ડેમમાં માત્ર ૨૩% પાણીઃ સિંચાઈ માટે પાણી છોડી શકાય તેમ નથી

સૌરાષ્‍ટ્રમાં વરસાદ ખેંચાતા જગતના તાતની હાલત કફોડીઃ સૌરાષ્‍ટ્રના બીજા સૌથી મોટા : ૩૪ ફૂટની સપાટી સામે હાલ માત્ર ૧૮.૫ ફૂટ પાણી બચ્‍યું: ૨૦ લાખ લોકોની પીવાની પાણીની જીવાદોરી સમાન ડેમમાં ૧૫૮૪ MCFT જથ્‍થો બચ્‍યોઃ ખેડૂતોના મગફળી, કપાસના પાક બળી જવાની ભીતિ, માર્ચ પછી સૌની યોજના જ સહારો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૮: સૌરાષ્‍ટ્રમાં ચોમાસાના પાછલા તબક્કામાં વરસાદ ખેંચાતા જગતના તાત અને સામાન્‍ય લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્‍યા છે. એક તરફ ખેડૂતો પાકના જીવતદાન માટે ભાદર કેનાલ દ્વારા બે પાણી માંગી રહ્યા છે, તો બીજી બાજુ સિંચાઈ માટે બનેલ ડેમમાંથી પાણી ન છોડી શકાય તેવી સ્‍થિતિ સર્જાઈ છે.

સૌરાષ્‍ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર ડેમ જે ૩૪ ફૂટની કુલ સપાટી અને ૬૬૪૮ એમસીએફટીની જળસંગ્રહ ક્ષમતા ધરાવે છે, તેમાં હાલ માત્ર ૧૮.૫ ફૂટ પાણી બચ્‍યું છે, જે ટકાવારીની દ્રષ્ટિએ માંડ ૨૩ ટકા એટલે કે ૧૫૮૪ એમસીએફટી જેટલું જ છે. ડેમમાં પાણીનું સ્‍તર ઝડપથી ઘટતાં પીવાના પાણી અને સિંચાઈ ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે.

આ જળાશય માત્ર ખેતી જ નહીં પરંતુ માનવ વસતી માટે પણ જીવાદોરી સમાન છે. જેતપુર, રાજકોટ, ખોડલધામ અને અમરનગર જૂથ યોજના સહિતના વિસ્‍તારોની આશરે ૨૦ લાખ જેટલી વસ્‍તી પીવાના પાણી માટે ભાદર ડેમ પર જ નિર્ભર છે. આ સિવાય ૭૩ કિલોમીટર લાંબી કેનાલ નેટવર્ક મારફતે બે જિલ્લાના ૪૬ ગામોની ૨૬,૮૪૨ હેક્‍ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.

વરસાદ રોકાઈ જતાં હાલ ખેતરોમાં ઊભેલા મગફળી, કપાસ અને સોયાબીન જેવા મહત્‍વના રોકડિયા પાકોને બચાવવા માટે તાત્‍કાલિક છેલ્લા બે પાણની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. ખેતરોમાં રહેલ બોર, કૂવામાં પણ પાણી ખૂટી ગયા હોય સિંચાઈ માટે પાણી કયાંથી કાઢવું તે પ્રશ્ન છે. ખેડૂતો ચિંતાતુર છે કે જો આ સમયે પાણી નહીં મળે તો મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો તમામ ખર્ચ માથે પડશે અને પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જશે.

(11:01 AM IST)