તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
કચ્છમાં ચાંદીપુરાનો કેસ દેખાતાં આરોગ્ય તંત્ર સતર્કઃ ૮૮૩ ઘરોમાં સર્વેલન્સ
રાજકોટથી એન્ટમોલોજિકલ ટીમ બોલાવાઈ, અંજારમાં કેસ નોંધાતા ૫૦૦ મીટર વિસ્તારમાં ડસ્ટિંગ-ફોગિંગ, શંકાસ્પદ ૩ દર્દીઓ સારવાર હેઠળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (CHPV) સામે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ, વેક્ટર કંટ્રોલ અને અટકાયતી કામગીરી તેજ બનાવવામાં આવી છે.
અસરગ્રસ્ત બાળકના રહેણાંક વિસ્તારને કેન્દ્રમાં રાખીને આસપાસના ૫૦૦ મીટર વિસ્તારમાં ડસ્ટિંગ અને ફોગિંગ કરવામાં આવ્યું છે. ચાંદીપુરાના સંભવિત વાહક સેન્ડ ફ્લાય (રેતીની માખી)ના નિયંત્રણ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત તેમજ આસપાસના વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લઈ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમોએ અત્યાર સુધીમાં ૮૮૩ ઘરોની મુલાકાત લઈ ૩,૪૮૦ લોકોનું સર્વેલન્સ કર્યું છે. દરમિયાન શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સંભવિત વેક્ટરની સ્થિતિ જાણવા રાજકોટથી ખાસ બોલાવવામાં આવેલી એન્ટમોલોજીકલ ટીમે અંજાર વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. ટીમ દ્વારા સેન્ડ ફ્લાય તથા અન્ય વેક્ટરના નમૂનાઓ એકત્રિત કરીને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.
દરમિયાન અદાણી મેડિકલ કોલેજની તબીબી ટીમે પણ અંજાર વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયેલા દર્દીઓના રહેણાંક સ્થળોની મુલાકાત લીધી હતી. દર્દીઓ અને પરિવારજનો પાસેથી જરૂરી માહિતી મેળવી ચાંદીપુરાના લક્ષણો, સ્વચ્છતા, તકેદારી અને વેક્ટર નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં ૮ શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાંથી ૭ કેસના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મળત્યુ થયું છે. હાલમાં ૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અને તબીબી દેખરેખ હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શંકાસ્પદ કેસ અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાંદીપુરાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ સહિત તાલુકા કક્ષાની હોસ્પિટલોને જરૂરી સજ્જતા સાથે તૈયાર રાખવામાં આવી છે. વેન્ટિલેટર સજ્જ પથારીઓ અનામત રાખવા ઉપરાંત જરૂરી તબીબી સ્ટાફ, દવાઓ, જીવનરક્ષક સાધનો અને આરોગ્ય સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોને કાચા મકાનો, માટીની ભીંતો, ઝાડી-ઝાંખરા અને રેતીવાળી જગ્યાઓથી શકય હોય ત્યાં સુધી દૂર રાખવા તથા બહાર રમતી વખતે આખી બાંયનાં કપડાં પહેરાવવા અપીલ કરી છે.
બાળકને તીવ્ર તાવ, ઉલટી, ચક્કર, ખેંચ, અસામાન્ય સુસ્તી અથવા વર્તનમાં અચાનક ફેરફાર જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવી, સાવચેતી અને સમયસર તબીબી સલાહને ચાંદીપુરા સામેની લડતમાં મહત્વપૂર્ણ ગણાવી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
