<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

માણાવદર હત્‍યા કેસઃ ઈજાગ્રસ્‍ત આરોપી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થતાં ધરપકડ, ૫ દિવસના રિમાન્‍ડ

પત્‍ની સાથે સંબંધની શંકા અને નાણાકીય લેન-દેનમાં હત્‍યા કર્યાની કબૂલાત

 

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮: માણાવદર શહેરના બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલી ગલીમાં દુકાન ધરાવતા જસ્‍મીનભાઈ મનસુખભાઈ બેચરા નામના યુવાનની ગત તા. ૨૦ ઓગસ્‍ટના રોજ તેમની દુકાનમાં જ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્‍યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ સનસનાટીભર્યા હત્‍યાકાંડમાં અગાઉ મૃતકનું ખેતર ભાગીયું રાખતા લીંબુડાના પ્રવિણ ગાંગા બારૈયા નામનો શખ્‍સ ઘટનાસ્‍થળ પરથી જ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં મળી આવ્‍યો હતો, જેને સારવાર અર્થે જૂનાગઢ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ પ્રવિણ બારૈયા સામે હત્‍યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આશરે એક સપ્તાહની સારવાર બાદ હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થતાં જ પોલીસે આરોપી પ્રવિણ બારૈયાની અટકાયત કરી મામલતદારની હાજરીમાં ઓળખ પરેડ કરાવી હતી. ત્‍યારબાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના ૫ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે. આ અંગે કેશોદના ઈન્‍ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાએ જણાવ્‍યું હતું કે, પોલીસની શરૂઆતી પૂછપરછમાં પ્રવિણે ગોળગોળ વાતો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સઘન પૂછપરછ દરમિયાન તેણે મોબાઈલના પૈસાની લેતી-દેતી અને પોતાની પત્‍ની સાથે સંબંધ હોવાની શંકાના કારણે અગાઉ બોલાચાલી થઈ હોવાનું સ્‍વીકાર્યું હતું.

આ જ બાબતે તા. ૨૦ ઓગસ્‍ટના રોજ દુકાને બોલાચાલી થતાં તેણે જસ્‍મીનની છરીના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. આટલું જ નહીં, પોલીસ અને સ્‍થાનિક લોકોને ગુમરાહ કરવા તથા પોતાની જાતને બચાવવા માટે તેણે હત્‍યા બાદ જાતે જ પોતાના શરીર પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જે છરીથી હત્‍યા કરવામાં આવી હતી તે શીલથી લાવવામાં આવી હોવાની પણ તેણે કબૂલાત કરી છે. હાલમાં પોલીસે શીલના દુકાનદાર અને માણાવદરના સ્‍થાનિક લોકોના નિવેદનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:39 PM IST)