<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

બિલ્‍ડર મેરામણ પરમાર આપઘાત કેસઃ જામનગરના ૧૧ વ્‍યાજખોરો સામે ગુન્‍હો

વ્‍યાજખોરોના અસહ્ય ત્રાસથી મોત મીઠુ કરનાર બિલ્‍ડર મેરામણ પરમારની સુસાઈડ નોટ અને ૨૮ જેટલી મિલકતોના બોગસ દસ્‍તાવેજો બનાવી ઓનલાઈન ટ્રાન્‍ઝેક્‍શન કરી નાણાં પરત મેળવી લેવાનું કારસ્‍તાન : રૂા. ૩.૫૦ કરોડથી વધુની રકમ મુડી-વ્‍યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં કિંમતી મિલકતો પચાવી પાડવા ધમકીઓ આપતા હોવાનો FIRમાં ખુલાસોઃ અડાલજ ખાતે ઝેર પી લેતા સારવાર દરમિયાન બિલ્‍ડર મેરામણભાઈ પરમારનું મોત થયું હતું: મૃતકની પુત્રની ફરિયાદને આધારે અડાલજ પોલીસે ગુનો નોંધ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે વ્‍યાજખોરી, છેતરપિંડી અને દુષ્‍પ્રેરણનો એક સળગતો અને ચોંકાવનારો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જમીન-મકાન અને પ્‍લોટિંગના વ્‍યવસાય સાથે સંકળાયેલા જામનગર-અમદાવાદના જાણીતા બિલ્‍ડર મેરામણભાઈ પરમારને વ્‍યાજખોરો અને ભાગીદારોના અસહ્ય માનસિક ત્રાસ આપી આત્‍મહત્‍યા કરવા મજબૂર કરવા બદલ કુલ ૧૧ શખ્‍સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતક બિલ્‍ડરના પુત્ર દેવ મેરામણભાઈ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ) દ્વારા અડાલજ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાએ વ્‍યાજે લીધેલા નાણાં મુડી અને ઊંચા વ્‍યાજ સહિત પરત ચુકવી દીધા હોવા છતાં, આરોપીઓએ જામીનગીરી પેટે લખાવી લીધેલી કરોડો રૂપિયાની કિંમતી મિલકતોના દસ્‍તાવેજો પરત કર્યા ન હતા અને વધુ નાણાંની અવારનવાર માંગણી કરી ધાક-ધમકી આપતા હતા.

સુસાઈડ નોટમાંથી ખુલ્‍યું વ્‍યાજચક્રનું કાળું સત્‍ય

ઘટનાની વિગત મુજબ, ગત તા. ૧૦/૦૧/૨૦૨૫ ના રોજ મેરામણભાઈ પરમારે અડાલજ પાસે ઝેરી પદાર્થ ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પરિવારજનોને તેમના સરસામાનમાંથી પિતાના સ્‍વ-હસ્‍તાક્ષરમાં લખાયેલી બે અલગ-અલગ સુસાઈડ નોટ મળી આવી હતી.

સુસાઈડ નોટમાં સ્‍પષ્ટ ઉલ્લેખ હતો કે, મોટા વ્‍યાજખોરો ભીખુભા વાઢેર અને તેમના પુત્રોએ મુડી અને ૩% લેખે વ્‍યાજના સંપુર્ણ પૈસા મેળવી લીધા હોવા છતાં સેફટી માટે લખાવી લીધેલી મિલકતો પરત કરતા નથી અને ચક્રવળદ્ધિ વ્‍યાજ વસૂલી અસહ્ય ત્રાસ આપે છે. આ સિવાય અન્‍ય સુસાઈડ નોટમાં શાળાની મિલકત અને પ્‍લોટિંગ બાબતે પ્રવીણ દોમડીયા દ્વારા ૩.૫૦ કરોડની વધારાની માંગણી કરી ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

૨૮ જેટલી મિલકતોના

બોગસ વેચાણ દસ્‍તાવેજો

તપાસ દરમિયાન સામે આવ્‍યું છે કે, સને ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન જામનગર અને આસપાસના વિસ્‍તારોમાં આવેલી આશરે ૨૮ જેટલી કિંમતી જમીનો તથા પ્‍લોટના વેચાણ દસ્‍તાવેજો જામીનગીરી પેટે આરોપીઓએ પોતાના તેમજ પરિવારના નામે કરાવી લીધા હતા. દસ્‍તાવેજમાં બતાવેલ અવેજની રકમ માત્ર કાગળ પર બતાવવા માટે બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવતી હતી અને તે જ દિવસે આર.ટી.જી.એસ. કે ચેક મારફતે પરત આરોપીઓના પોતાના કે તેમની પેઢીઓના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી લેવામાં આવતી હતી.

આરોપીઓની યાદીઃ ૧. ભીખુભા હરીસિંહ વાઢેર (રહે. એરોડ્રામ રોડ, જામનગર) ૨. ધવલસિંહ ભીખુભા વાઢેર, ૩. વિરેન્‍દ્રસિંહ ભીખુભા વાઢેર, ૪. શૈલેન્‍દ્રસિંહ ભીખુભા વાઢેર, ૫. ગજરાબા ભીખુભા વાઢેર, ૬. અનિતાબા વિરેન્‍દ્રસિંહ વાઢેર, ૭. કશ્‍મીરાબા ધવલસિંહ વાઢેર, ૮. પ્રવિણાબા શૈલેન્‍દ્રસિંહ વાઢેર, ૯. પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ દોમડીયા (રહે. જનતા રેલ્‍વે ક્રોસીંગ પાસે, જામનગર), ૧૦. કાંતાબેન પ્રવિણભાઇ દોમડીયા, ૧૧. વિશાલ પ્રવિણભાઇ દોમડીયા, આ કેસની વધુ તપાસ અડાલજ પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર પી. એ. ડોડીયા ચલાવી રહ્યા છે

(11:19 AM IST)