<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

અમરેલીના બાંટવા દેવળી ગામના મિલન કોટડીયાનું બહેન પાસે રાખડી બંધાવીને નીકળ્‍યા બાદ લોધીકા પાસે અકસ્‍માતમાં મૃત્‍યુ

રાવકીની ગોળાઇમાં બાઇક રોડ નીચે ઉતરી ગયું: રાવકીની કંપનીમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર હતોઃ માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ હતોઃ રાજકોટ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૯: ગઇકાલે રક્ષાબંધનના પર્વની દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. દરેક બહેનોઅને પોતાના ભાઇના હાથે રક્ષા બાંધી તેમના રક્ષણ માટેની પ્રાર્થના કરી આશીર્વાદ આપ્‍યા હતાં. આ દરમિયાન એક કરૂણ ઘટના બની હતી. જેમાં અમરેલીના બાંટવા દેવળી ગામે રહેતાં યુવાનનું લોધીકાના પાળ ગામ નજીક વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું છે. આ યુવાન રાજકોટ રહેતી બહેનના ઘરે રાખડી બંધાવીને રાતે જમીને ત્‍યાંથી નીકળ્‍યો હતો અને રસ્‍તામાં તેને આ દુર્ઘટના નડી હતી.

જાણવા મળ્‍યા મુજબ લોધીકાના પાળથી આગળ રાવકી ગામની ગોળાઇમાં રાતે સાડા નવેક વાગ્‍યે એક યુવાન અકસ્‍માતમાં ઇજા થયેલી હાલતમાં મળતાં કોઇએ ૧૦૮ને જાણ કરી હતી. તેના મારફત આ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તપાસમાં તેનું નામ મિલનભાઇ જેન્‍તીભાઇ કોટડીયા -પટેલ (ઉ.વ.૨૭-રહે. બાંટવા દેવળી જી. અમરેલી) હોવાનું ખુલ્‍યું હતું. જો કે સારવાર દરમિયાન આ યુવાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

લોધીકા પોલીસની વિશેષ તપાસમાં ખુલ્‍યા મુજબ મિલનભાઇ એક બહેનથી મોટો અને અપરિણીત હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પોતે રાવકી ગામે આવેલી નાગબાઇ કંપનીમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેના બહેન તેજલબેન રાજકોટ નવા ૮૦ ફુટ રોડ પર રહેતાં હોઇ ગઇકાલે પોતે બાઇક લઇને બહેનના ઘરે રાખડી બંધાવવા ગયો હતો. સાંજે ત્‍યાં જમીને પરત નીકળ્‍યો ત્‍યારબાદ રાવકીની ગોળાઇમાં તેને અકસ્‍માત નડયો હતો. જેમાં તેનું મૃત્‍યુ થયું હતું. કોઇ વાહનની ઠોકરે ચડયો કે બાઇક સ્‍લીપ થઇ રોડ નીચે ઉતરી ગયું? તેની તપાસ પોલીસ હવે પછી કરશે. એકના એક આધારસ્‍તંભ યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(1:07 PM IST)