News of Saturday, 29th August 2026
ભુજમાં રક્ષાબંધન પર્વે રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ: રાખડીના તાંતણે બંધાયું કોમી એકતા અને ભાઈચારાનું બંધન
’માનવજ્યોત’ના આંગણે હિન્દુ-મુસ્લિમ બહેનોએ માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલોને રાખડી બાંધી ઉજવ્યું સ્નેહનું પર્વ, અનેક દિવ્યાંગ ભાઈઓની આંખો ભીંજાઈ, પરિવારની યાદો તાજી થઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનું પર્વ એવા રક્ષાબંધનની ભુજમાં માનવતા, કોમી એકતા અને રાષ્ટ્રીય એકતાના સુંદર સંદેશ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજયોત સંસ્થા-ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ તથા શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનોએ માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોના કાંડે રાખડી બાંધી ભાઈચારાની લાગણીને ઉજાગર કરી હતી. ઢોલ-શરણાઈના સૂર સાથે વાજતે-ગાજતે પહોંચેલી બહેનોએ પૂજાની થાળીમાં દિપકની જ્યોત, ચોખા, કુમકુમ, રાખડી અને મીઠાઈ સાથે દિવ્યાંગ ભાઈઓ તથા વૃદ્ધ વડીલોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. બહેનોએ કુમકુમ તિલક કરી, ચોખા ચોળી, આરતી ઉતારી તેમના હાથના કાંડે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી તેમના સારા સ્વાસ્થ્ય, સુખાકારી તથા પરિવાર સાથે જલ્દી પુનઃમિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રાખડી બંધાવાની આ લાગણીસભર ક્ષણો દરમિયાન અનેક માનસિક દિવ્યાંગ ભાઈઓને પોતાની બહેનો અને પરિવારની યાદ આવી હતી. ભાવનાઓ પર કાબૂ ન રહેતાં તેમની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ ઘર, પરિવાર અને સંબંધોની યાદોને જીવંત કરતું ભાવનાત્મક બંધન છે, તેનો જીવંત અનુભવ આ પ્રસંગે જોવા મળ્યો હતો.
માનસિક દિવ્યાંગ ભાઈઓને પરિવાર, ઘર અને રક્ષાબંધનના પર્વની હૂંફનો અનુભવ થાય તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બહેનોએ પણ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી. એકબીજાના કાંડે બંધાયેલી રાખડીએ સંબંધોની એવી લાગણી જગાવી હતી કે થોડા સમય માટે આશ્રમનું વાતાવરણ પરિવારના આંગણા જેવું બની ગયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ, મહિલા પોલીસની ‘શી’ ટીમ -ભુજ તથા મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગરની બહેનોએ પણ જોડાઈ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં સહભાગી બની હતી. કાર્યક્રમના માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરએ રક્ષાબંધનના મહત્વ સાથે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.
‘શી’ ટીમના એએસઆઈ શીતલબેન નાઈ, જશોદાબેન ધ્રાંગી, હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન બારોટ, નીલુબેન ચૌધરી, ટીનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન સાંખલા સહિતની બહેનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રક્ષાબંધનના પર્વનો મહિમા સમજાવ્યો હતો.
આ પ્રસંગે જયાબેન મુનવર, દક્ષાબેન પટેલ, રૂકિયાબેન મથડા, માલાબેન જોષી, હર્ષા શાહ, અમીતા જૈન, એડવોકેટ આરતીબેન, મીનાબેન બોરીચા, હફીઝાબેન સમા, રાયમાબેન સમા, મીનલબેન પટેલ, દક્ષાબેન છેડા, રચનાબેન શાહ, અમીનાબેન આરબ, રેશ્માબેન કુરેશી, રીતુબેન વર્મા, આરતી જોષી અને શેરબાનું ચૌહાણ સહિતની બહેનોએ દિવ્યાંગ ભાઈઓ તથા વૃદ્ધ વડીલોને રાખડી બાંધી હતી.
ખાસ કરીને મુસ્લિમ સમાજની બહેનોએ રક્ષાબંધન પર્વ અંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રક્ષાબંધનને તેઓ રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાના પર્વ તરીકે માને છે. હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મો સમાન છે અને સૌ એક પરિવારની જેમ સાથે રહે તે જ આ પર્વનો સાચો સંદેશ છે. આ ઉપરાંત રાજેન્દ્રભાઈ ઘનશ્યામ ટપરીયા, પ્રતાપ-કાંતાબેન પ્રાગજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટ-ભુજ, ચેતનાબેન દેવેન્દ્રભાઈ હીરાણી-બળદિયા તથા મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સહિતનું ત્રણ ટાઈમ ભોજન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ સહદેવસિંહ જાડેજાએ કરી હતી. કાર્યક્રમની વ્યવસ્થામાં વિનોદભાઈ શાહ, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, ભવાનભાઈ ઠક્કર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર બાબરીયા, ભરત સોની, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયા અને માવજીભાઈ આહીરે સહકાર આપ્યો હતો.
રાખડી બાદ રાસ-ગરબે ઝૂમ્યા દિવ્યાંગ ભાઈ-બહેનો
કાર્યક્રમના અંતે આશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોએ રાસ રમીને નાચી-ઝૂમી આનંદ વ્યક્ત કર્યો હતો. કેટલાક દિવ્યાંગ ભાઈઓએ પોતાના સુમધુર કંઠે દેશભક્તિના ગીતો રજૂ કરી વાતાવરણને દેશભક્તિ અને લાગણીથી ભરપૂર બનાવી દીધું હતું. રક્ષાબંધનના આ અનોખા આયોજનમાં રાખડીના એક નાના તાંતણે ધર્મની દીવાલો ઓગાળી માનવતા, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
