<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

દ્વારકાધીશના ધામમાં જન્માષ્ટમીનો દિવ્ય ઉત્સવઃ મધરાતે બાર વાગ્યે આરતી, અઢી વાગ્યા સુધી દર્શન : જુઓ વિડીયો

જન્માષ્ટમીનો દર્શનક્રમ જાહેરઃ સવારે છ વાગ્યે મંગળા આરતીથી પ્રારંભ, ભોગ-પૂજા દરમિયાન તબક્કાવાર દર્શન બંધ રહેશે : ચાર સપ્ટેમ્બરે જન્માષ્ટમી અને પાંચમીએ પારણા નોમ; મંદિર પ્રશાસને જાહેર કર્યું સમયપત્રક

(વિનુભાઈ સામાણી, દિપેશ સામાણી દ્વારા) દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં શુક્રવાર, તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના શ્રાવણ વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિરના વહીવટદાર તથા નાયબ કલેક્ટર હિમાંશુ એલ. ચૌહાણ દ્વારા જન્માષ્ટમી અને પારણા નોમના દર્શનનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમીના દિવસે સવારે ૬ વાગ્યે મંગળા આરતી થશે. સવારે ૬થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન અને ૮થી ૯ વાગ્યા સુધી શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન તથા અભિષેક દર્શન થશે. સવારે ૯થી ૯:૪૫ વાગ્યા સુધી ભીતર પૂજા હોવાથી દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૯:૪૫થી ૧૦ વાગ્યા સુધી દર્શન મળશે.

સવારે ૧૦થી ૧૦:૧૫ વાગ્યા સુધી સ્નાન ભોગ, ૧૦:૪૫થી ૧૧ વાગ્યા સુધી શૃંગાર ભોગ અને ૧૧:૨૦થી ૧૧:૩૦ વાગ્યા સુધી ગ્વાલ ભોગ ધરાવાશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. સવારે ૧૧ વાગ્યે શૃંગાર આરતી થશે. બપોરે ૧૨થી ૧૨:૩૦ વાગ્યા સુધી રાજભોગ બાદ ૧૨:૩૦થી ૧ વાગ્યા સુધી દર્શન મળશે. બપોરે ૧થી સાંજે ૫ વાગ્યા સુધી અનોસરને કારણે દર્શન બંધ રહેશે.

સાંજે ૫ વાગ્યે ઉત્થાપન દર્શન બાદ ૫:૪૫થી ૬ વાગ્યા સુધી ઉત્થાપન ભોગ ધરાવાશે. સાંજે ૬થી ૭:૩૦ વાગ્યા સુધી દર્શન, ૭:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધી સંધ્યા ભોગ અને ૭:૪૫થી ૮ વાગ્યા સુધી સંધ્યા આરતી થશે. રાત્રે ૮થી ૮:૧૦ વાગ્યા સુધી શયન ભોગ, ૮:૧૦થી ૮:૩૦ વાગ્યા સુધી દર્શન તથા ૮:૩૦ વાગ્યે શયન આરતી થશે. રાત્રે ૮:૩૦થી ૯ વાગ્યા સુધી દર્શન મળશે, જ્યારે ૯થી મધરાત સુધી અનોસર રહેશે.

 

મધરાતે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ

મધરાતે બરાબર ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી યોજાશે. મધરાતે ૧૨થી રાત્રે ૨:૩૦ વાગ્યા સુધી જન્મોત્સવના વિશેષ દર્શનનો લાભ મળશે. રાત્રે ૨:૩૦ વાગ્યે અનોસર બાદ મંદિર બંધ થશે.

 

પારણા નોમનો દર્શનક્રમ

શનિવાર, તા. ૫ સપ્ટેમ્બરે શ્રાવણ વદ નોમના દિવસે સવારે ૭ વાગ્યે શૃંગાર આરતી યોજાશે. સવારે ૭થી ૯ વાગ્યા સુધી દર્શન, ૯થી ૯:૧૫ સુધી મધ્યાહ્ન ભોગ, ૯:૧૫થી ૧૦ સુધી દર્શન, ૧૦થી ૧૦:૧૫ સુધી રાજભોગ અને ૧૦:૧૫થી ૧૦:૩૦ સુધી દર્શન થશે.

સવારે ૧૦:૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી અનોસરને કારણે મંદિર બંધ રહેશે. સાંજે ૫ વાગ્યે ઉત્થાપન, ૫થી ૬ વાગ્યા સુધી દર્શન અને ૬થી ૭ વાગ્યા સુધી અભિષેકને કારણે દર્શન બંધ રહેશે. સાંજના અન્ય કાર્યક્રમો નિયમિત ક્રમ મુજબ યોજાશે. ભક્તો મંદિરની જાહેર વિજ્ઞપ્તિમાં આપેલો ક્યૂઆર કોડ સ્કેન કરીને અધિકૃત સામાજિક માધ્યમો દ્વારા પણ દર્શનનો લાભ લઈ શકશે.

 

(1:04 PM IST)