તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : ખેડૂતો અને પશુપાલકોની ઉગ્ર માંગણી
કલેકટર કચેરીએ રજૂઆત માટે ૩૦૦ થી વધુ ખેડૂતો-પશુપાલકો ઉમટયા : કચેરીનો મુખ્ય ગેટ બંધ કરાતા મામલો ગરમાયો : તંત્ર દાદ આપે નહીં તો ૧પ દિવસમાં ઉગ્ર આંદોલન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: વરસાદ ખેંચાયો હોય જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે ૩૦૦ થી વધુ ખેડૂતો અને પશુપાલકો કલેકટર કચેરીએ જઇને ઉગ્ર રજુઆત કરી હતી. રજુઆત કરવા વાળા આવે તે પહેલા કચેરીનો દરવાજો બંધ કરાતા મામલો ગરમાયો હતો અને ત્યાર પછી આગેવાનોને રજુઆત કરવા કલેકટર કચેરીએ આવવા દીધા હતા. ૧પ દિવસમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો અને પશુપાલકોએ આપી છે.
કલેકટર કચેરીએ ખેડૂતો અને પશુપાલકોએ આપેલા આવેદનપત્રમાં માંગ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તથા પશુપાલકને તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
ખેડૂતો કચેરીએ પહોંચે તે પહેલાં જ મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવતાં મામલો ગરમાયો હતો. ખેડૂતોને અંદર જતાં અટકાવવામાં આવ્યા હતા અને કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે, ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નહોતા. અંતે ગેટ ખોલવામાં આવ્યો અને ખેડૂતો મોટી સંખ્યામાં કચેરી પરિસરમાં ઘૂસી ગયા હતા. ‘જય જવાન, જય કિસાન'ના નારા સાથે ખેડૂતોએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો સવાલ હતો કે વિકાસની વાતો તો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખેડૂતો વરસાદના અભાવે મુશ્કેલીમાં છે ત્યારે તેમના પ્રશ્નો અંગે મંત્રી કેમ મૌન છે? ખેડૂતોના જણાવ્યા મુજબ, વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ગંભીર શકયતા છે. ખેડૂતોનો ખર્ચ પાણીમાં જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ પશુપાલકો માટે પણ ઘાસચારા અને પાણીનો પ્રશ્ન ઉભો થઈ શકે છે. તેથી સરકાર માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાને બદલે મેદાનમાં ઉતરી તાત્કાલિક રાહત આપે તેવી ઉગ્ર માગ ઉઠી હતી.
ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં બેસી જિલ્લા કલેક્ટરને નીચે આવી તેમની રજૂઆતો સાંભળવાની માગ કરી હતી. જોકે કલેક્ટરના બદલે ડેપ્યુટી કલેક્ટર ખેડૂતો પાસે પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમની સમસ્યા વિગતવાર સાંભળવાને બદલે માત્ર આવેદન આપી સરકાર સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. આથી ખેડૂતોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.અંતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતોની માગ છે કે પોરબંદરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે તેમજ પશુપાલકોને ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.ખેડૂત આગેવાનોએ સરકારને ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
