તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
દત્તક વિધાનથી બે નિરાધાર શિશુઓના જીવનમાં ફરી મહેકી ઊઠી ખુશીઓ : જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા બે બાળકો રાજસ્થાનના દંપતિને સોંપાયા : જિલ્લા વહીવટી તંત્રના સહકારથી પરિવાર પૂર્ણ થતા વાલીઓએ આભાર માન્યો
બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઇ અમને બાળક મળ્યુ ત્યાં સુધી સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખુબ મદદ કરી : રાજસ્થાનના એક દંપતી ભાવવિભોર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧જામનગર તા.૧ સપ્ટેમ્બર, જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પી. બી. પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ બે શિશુઓને દત્તક વિધાન થકી રાજસ્થાનના દંપતીઓને સોંપાયા હતા. CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે શિશુઓને માં-બાપની હુંફ મળી છે તો રાજસ્થાનના બે પરિવારો સંપુર્ણ બન્યાં છે. રાજસ્થાનના બે દંપતિઓએ જામનગરના આ બે બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના આદેશ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેકટરશ્રીના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.
બાળકોને દત્તક લેનાર રાજસ્થાનના એક દંપતીએ જણાવ્યું હતુ કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઇ અમને બાળક મળ્યુ ત્યાં સુધી સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખુબ મદદ કરી. સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. તેમના આ સહકારને કારણે આજે અમારો પરીવાર પરિપૂર્ણ થયો છે. તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.
અન્ય એક વાલીએ જણાવ્યું કે અમે આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.અને આજે અમને બાળક નહી પરંતુ ખુશીઓ મળી છે. આજે અમારો પરિવાર સંપૂર્ણ બનતા અમે ખુબ જ ખુશ છીએ. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતાન સુખ થી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે.તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી,સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઇ એમ. રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સમિતિના સભ્યો, કર્મચારીઓ, ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
