<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભાવનગરમાં એક જવાબદાર સરકારી અધિકારીએ જ નશાની હાલતમાં કાયદાના લીરેલીરા ઉડાડ્યા !

સુભાષનગર વિસ્તારમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીએ નશામાં ધુત થઈ ભારે હંગામો મચાવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભાવનગરમાં એક જવાબદાર સરકારી અધિકારીએ જ નશાની હાલતમાં કાયદાના લીરેલીરા ઉડાડ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીએ નશામાં ધુત થઈ ભારે હંગામો મચાવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

 

મળતી વિગતો મુજબ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટ નામના અધિકારીએ પોતાના ઘરે નશાની હાલતમાં ભારે તોફાન મચાવ્યું હતું. અધિકારીની ધમાલ એટલી હદે વધી ગઈ હતી કે આસપાસના લોકો અને પરિવારજનોએ આખરે કંટાળીને પોલીસને જાણ કરવી પડી હતી. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને નશામાં ધુત નાયબ મામલતદારની અટકાયત કરી હતી.

 

નશામાં ચકચૂર અધિકારીને જ્યારે ઘોઘા રોડ પોલીસ મથકે લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં પણ તેમણે પોતાની શાન ભાન ગુમાવી દીધી હતી. પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પણ તેમણે પોલીસ કર્મચારીઓ સાથે બેફામ વર્તન કરી ધમાલ મચાવી હતી. સરકારી હોદ્દા પર હોવા છતાં કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના નશાની હાલતમાં કરવામાં આવેલી આ ધમાલને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

ચર્ચા મુજબ નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ નશાની હાલતમાં ઝડપાયા હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ પણ તેઓ આ પ્રકારે વિવાદમાં આવી ચૂક્યા છે. હાલ પોલીસે આ મામલે મેહુલ ભટ્ટ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(1:49 PM IST)