તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
સોમનાથની કાયાપલટના ૭૫ વર્ષ : વિરાસત સાથે આધુનિકતાનો સુમેળ સાધી પ્રથમ જ્યોતિર્લિંગ ‘નેટ-ઝીરો’ મંદિર બનવાની દિશામાં અગ્રેસર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદે સોમનાથમાં સુવર્ણ યુગનો પ્રારંભ : વંદે ભારત ટ્રેન, ફોરલેન હાઇવે અને એર કનેક્ટિવિટીથી વાર્ષિક ૯૭ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા : સમુદ્ર દર્શન પથ અને ૧૬ ફૂટની હનુમાનજીની પ્રતિમા બન્યા આકર્ષણનું કેન્દ્ર

પ્રભાસ પાટણ: ભારતના સાંસ્કૃતિક ગૌરવ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે, ત્યારે છેલ્લા ૭૫ વર્ષની વિકાસયાત્રામાં સોમનાથ એક વૈશ્વિક પ્રવાસનધામ તરીકે ઉભરી આવ્યું છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ ટ્રસ્ટે ડિજિટલ ટેકનોલોજી, પર્યાવરણ જાળવણી અને યાત્રિક સુવિધાઓમાં નવા આયામો સર કર્યા છે. હાલમાં દરરોજ સરેરાશ ૨૫ હજારથી વધુ ભાવિકો આ પવિત્ર ભૂમિની મુલાકાત લઈ રહ્યા છે.
પર્યાવરણ પ્રેમી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મોડેલ
સોમનાથ મંદિર આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પહેલમાં અગ્રેસર છે. ‘મિશન LiFE’ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને ૪૭૦૦ પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, મંદિરના ફૂલોમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી તેનો ઉપયોગ ૧૭૦૦ બિલ્વ વૃક્ષોના સંવર્ધન માટે કરાય છે. ૭૨૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલું મિયાવાકી જંગલ અને ખારા પાણી સામે રક્ષણ આપતા જળસંચયના કુવાઓ દ્વારા દર મહિને ૩૦ લાખ લિટર પાણી શુદ્ધ કરવામાં આવે છે. આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ્સ દ્વારા અત્યાર સુધી ૨૦.૫૩ કરોડ લિટર પાણી ફિલ્ટર કરીને બાગાયત માટે વાપરવામાં આવ્યું છે, જે સોમનાથને દેશનું પ્રથમ ‘નેટ-ઝીરો’ જ્યોતિર્લિંગ બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે.
વૈશ્વિક પ્રવાસનને વેગ આપતી કનેક્ટિવિટી
યાત્રિકોની સુવિધા માટે ૮૨૮ કરોડના ખર્ચે જેતપુર-સોમનાથ ફોરલેન હાઇવે અને સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત કેશોદ અને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણને કારણે વિદેશી પ્રવાસીઓ માટે પણ સોમનાથ પહોંચવું સરળ બન્યું છે. સાગર દર્શન અતિથિગૃહ અને આધુનિક સર્કિટ હાઉસ ભક્તોને શ્રેષ્ઠ રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે. સમુદ્ર કિનારે બનેલો દર્શન પથ, ૧૬ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા અને ૨૦૨ મારુતિ હાટ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૦ લાખથી વધુ લોકોએ અહીંનો ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો છે.
ડિજિટલ સેવાઓ અને સોમગંગા પ્રસાદ
શ્રદ્ધાળુઓ માટે પૂજા વિધિ, ધ્વજા પૂજા કે રુદ્રાભિષેકનું ઓનલાઇન બુકિંગ તેમજ લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ઘરે બેઠા ચાંદીના સિક્કા, વસ્ત્ર પ્રસાદી કે મહાદેવને ચડાવેલી સાડી મંગાવી શકે છે. વિશેષ આકર્ષણ તરીકે, મહાદેવને ચડાવેલા ગંગાજળને નવ સ્તરીય પ્લાન્ટમાં શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે માત્ર ૧૫ રૂપિયામાં શ્રદ્ધાળુઓને વિતરિત કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા આ તમામ આધુનિક પ્રોજેક્ટ્સને કારણે સોમનાથ આજે વિરાસત, આધ્યાત્મિકતા અને વિકાસનો પર્યાય બની ગયું છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
