<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રંગપર નજીક બંધ ફેકટરીમાં સબસીડીવાળા યુરિયા ખાતરનો જથ્થો મળવા મામલે 8 સામે નોંધાયો ગુનો.

યુરિયાના કાળાબજારનો CID ક્રાઈમે પર્દાફાશ કર્યા બાદ એફએસએલનો રિપોર્ટ આવતા ગેરકાયદેસર સંગ્રહ અને ઉપયોગ કરવા મામલે કાર્યવાહી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં ખેડૂતોને રાહત દરે અપાતા સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને કાળાબજારનો મોટો પર્દાફાશ થયો હતો. સીઆઈડી ક્રાઈમની ટીમે મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીની પાછળના ભાગે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. સરકાર દ્વારા અપાતા આ સબસીડીવાળા યુરિયાનો ખેતીના બદલે ગેરકાયદેસર રીતે રેઝિન બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે જપ્ત કરાયેલા જથ્થાનો એફએસએલ રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે કૌભાંડ આચરનારા આઠ જેટલા શખ્સો સામે સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સીઆઈડી ક્રાઈમની ટીમે રંગપર ગામની સીમમાં આવેલી 'જીબોન સીરામીક પ્રાઈવેટ લિમિટેડ' નામની બંધ ફેક્ટરીની પાછળના ભાગે રેઝિન બનાવવામાં આવતા પ્લાન્ટ પર દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ સરકાર દ્વારા ખેતીના ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સબસીડી પર આપવામાં આવતા યુરિયા ખાતરનો પોતાના આર્થિક ફાયદા માટે મોટા પાયે દુરુપયોગ કર્યો હતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે ખેડૂતોના હકના આ ખાતરનો ઉપયોગ ખેતીને બદલે ફેક્ટરીમાં રેઝિન બનાવવા માટે થતો હતો. આ પ્લાન્ટમાંથી ઇફ્તો, ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ, ઇન્ડિયન પોટાશ લિમિટેડ, કૃભકો તથા ચંબલ ફર્ટીલાઇઝર્સ જેવી અગ્રણી અને નામાંકિત કંપનીઓની કુલ રૂ. ૨.૧૪ લાખની કિંમતની ૮૦૪ થેલીઓ મળી આવી હતી. કોઈપણ જાતના અધિકૃત પરવાના કે બિલ વગર આ સબસીડીવાળું ખાતર ગેરકાયદેસર રીતે ખરીદીને અહીં તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
આ ગંભીર કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમની ટીમે ૮ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓમાં અમીત પ્રવિણભાઈ ગઢિયા, કનુભાઈ કરશનભાઈ ઝાગલીયા, દિવ્યરાજસિંહ મયુરસિંહ જાડેજા, બળદેવભાઈ નાનજીભાઈ સંઘાણી, મયુરભાઈ ચંદુલાલ કેલા, સાગરભાઈ પ્રવિણભાઈ ગોધાણી, વિજયભાઈ કલાભાઈ ભરવાડ અને ગોપાલભાઈ કરણાભાઈ ઝાપડાનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે વધુ સઘન તપાસ શરૂ કરી છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે

(11:29 PM IST)