હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરના આકાશમાં ગર્જશે વાયુસેનાના 9 જેટ વિમાન:અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે : ત્રિરંગાથી રંગાશે આકાશ
આગામી 1 નવેમ્બરે નજારો સર્જાશે જે ભાવનગરવાસીઓ માટે યાદગાર બની શકે:ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ નવ અત્યાધુનિક વિમાનો ના રોમાંચક હવાઈ કરતબો ખાસ આકર્ષણ બનશે

ભાવનગરવાસીઓ માટે 1 નવેમ્બર, 2026નો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેના (Indian Air Force)ની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (Suryakiran Aerobatic Team) ભાવનગરના બોરતળાવ ખાતે ભવ્ય એર શો રજૂ કરશે. વાયુસેનાની પ્રેસ રિલીઝ અનુસાર, રવિવારે સવારે 10:30 વાગ્યે યોજાનારા આ પ્રદર્શનમાં 9 હોક એમકે-132 વિમાન આકાશમાં અદ્ભુત કરતબો બતાવશે.
સૂર્યકિરણ ટીમના 9 હોક એમકે-132 (Hawk Mk 132) વિમાન એકસાથે ઉડાન ભરી અદ્ભુત સંકલનનું પ્રદર્શન કરશે. આ વિમાનોનું ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા લાઇસન્સ હેઠળ ઉત્પાદન કરવામાં આવે છે. એર શોમાં લૂપ્સ, બેરલ રોલ્સ, ઊંધું ઉડ્ડયન અને વિશેષ DNA ફોર્મેશન જેવા રોમાંચક કરતબો જોવા મળશે.
આકાશમાં વિમાનો કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાની લકીરો બનાવશે. નવ વિમાનોની એકસાથે ઉડાન અને સચોટ ફોર્મેશન દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રદર્શન ભારતીય વાયુસેનાની કાર્યકુશળતા, શિસ્ત અને પાઇલટ્સ વચ્ચેના ઉત્તમ તાલમેલનું પ્રતીક છે.
1996માં સ્થાપિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 850થી વધુ હવાઈ પ્રદર્શનો કરી ચૂકી છે. ટીમને 'Ambassadors of the Indian Air Force' તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ગ્રુપ કેપ્ટન અજય દસારથી ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.
ટીમમાં 13 પાઇલટ સહિત કુલ 18 અધિકારીઓ સામેલ છે. ઉપરાંત લગભગ 180 ટેક્નિકલ કર્મચારીઓ વિમાનોની જાળવણી અને ઉડાનની તૈયારીઓ સંભાળે છે. દરેક એર શો પાછળ સઘન તાલીમ, આયોજન અને તકનીકી સુરક્ષાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
ઐતિહાસિક ભાવનગરમાં યોજાનારો આ એર શો યુવાનોને ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવાનો પણ પ્રયાસ છે. બોરતળાવના આકાશમાં થનારું આ પ્રદર્શન દેશની હવાઈ શક્તિ અને પાઇલટ્સની નિપુણતાનો પરિચય કરાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
