News of Thursday, 25th June 2026
જસદણની આલ્ફા સ્કૂલમાં ભણતી ભાવનગરના મોટા જાદરાની ૧૦ વર્ષની બાળાનું તાવ-અછબડા બાદ મોત
પાંચમું ધોરણ ભણતી હતીઃ રાજકોટમાં છાત્રાએ દમ તોડયોઃ પિતા સહિતના પરિવારજનોનો આક્ષેપ : દિકરી બિમાર હોવા છતાં જાણ કરાઇ નહોતીઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ : લાડકવાયી દિકરીના મોતથી બલદાણીયા પરિવારમાં શોકની કાલીમા : યોગ્ય ન્યાય મળે પછી જ લાશ સંભાળશું: પિતાનું કથન

૧૦ વર્ષની આયુષી બલદાણીયાનો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો, વિગતો જણાવતાં તણીના પિતા રમેશભાઇ બલદાણીયા અને સ્કૂલ-હોસ્ટેલના ટ્રસ્ટી હિરેનભાઇ સંખારવા જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૫: જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં ભણતી ભાવનગરના મહુવા તાબેના મોટાજાદરા ગામની ૧૦ વર્ષની બાળાને અછબડા નીકળ્યા બાદ તેની તબિયત બગડતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી ગત સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ બાળાનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બાળાને ઘણા દિવસોથી બિમારી હોવા છતાં પરિવારને જાણ કરવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કરી મૃત્યુ અંગે શંકા દર્શાવાતા મૃતદેહનું જસદણ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ જસદણમાં ચીખલીયા કુવા રોડ પર આવેલી આલ્ફા સ્કૂલ-હોસ્ટેલમાં રહી ધોરણ-૫માં અભ્યાસ કરતી આયુષી રમેશભાઇ બલદાણીયા (ઉ.વ.૧૦) નામની બાળાને ગત સાંજે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફને તબિબે જાણ કરતાં આ અંગે જસદણ પોલીસને નોંધ કરાવી હતી. જેમાં જણાવાયું હતું કે આયુષી હોસ્ટેલમાં હોઇ દસ દિવસથી તેને અછબડા નીકળ્યા હોઇ તબિયત લથડતાં ગઇકાલે બપોરે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લાવવામાં આવી હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
બનાવને પગલે મૃતક બાળકીના પિતા રમેશભાઇ બલદાણીયા સહિતના સ્વજનો રાજકોટ પહોંચ્યા હતાં. દિકરીના મોતથી તેઓ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. પિતા રમેશભાઇએ કહ્યું હતું કે દિકરી પાંચમા ધોરણમાં ભણતી હતી. અમે ગત ૨૭મી એપ્રિલે તેણીને આ શાળામાં મુકી હતી. જો કે પછી અમને તેની સાથે વાત કરવા દેવામાં આવી નહોતી. બે મહિના બાદ જ મુલાકાત થાય તેવો નિયમ બતાવાયો હતો. બુધવારે અમને ટ્રસ્ટીએ ફોન કરી તમારી દિકરીની તબીયત ગંભીર છે, રાજકોટ લઇને જઇએ છીએ તમે તાત્કાલીક આવો તેવુ કહેતાં અમે રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા ત્યારે અમને દિકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેણીને દસ બાર દિવસથી તાવ-અછબડા જેવી બિમારી હતી. જો કે આમ છતાં અમને જાણ કરાઇ હતી. અમારે દિકરીને ૨૭મી જુને મળવાનું હતું. શાળાના નિયમ મુજબ આ તારીખ મુલાકાત માટે અપાઇ હતી. પણ આ દિવસ આવે એ પહેલા તેનો મૃતદેહ અમને જોવા મળ્યો હતો.
પરિવારજનોએ દિકરીના મોત અંગે શંકા દર્શાવી મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માંગણી કરી હતી. આયુષી એક ભાઇથી નાની અને પરિવારની લાડકવાયી દિકરી હતી. બીજી તરફ ટ્રસ્ટી હિરેનભાઇએ કહ્યું હતું કે બાળાએ શિક્ષકને પગમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી અમે જસદણની કોટડીયા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ લઇ જવાનું કહેવાતા અહિ લાવ્યા હતાં. જસદણ પોલીસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી કરશે. દરમિયાન બાળાના પિતા સહિતના સ્વજનોએ કહ્યું હતું કે અમને યોગ્ય ન્યાય મળશે પછી જ અમે દિકરીનો મૃતદેહ સંભાળશું. પીએસઆઇ આર. આર. સોલંકી સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
