તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ખંભાળિયા નગરપાલિકાના ખાનગી સંસ્થા સંચાલિત સ્વિમિંગ પૂલમાં ૧૫ વર્ષનો તરુણ ડૂબ્યો : ગંભીર હાલતમાં જામનગર રેફર કરાયો
બે તરુણો વચ્ચે નહાતી વખતે ઝઘડો થતાં એકબીજાને ડૂબાડવાનો પ્રયાસ કરાયાનો ચીફ ઓફિસરનો દાવો : સ્વિમિંગ કોચ અને મેનેજરની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા: ખંભાળિયા નગરપાલિકાના ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં નહાવા પડેલા ૧૫ વર્ષના એક અનુસૂચિત જાતિના તરુણ ગંભીર રીતે ડૂબી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની સ્થિતિ વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પાલિકાના વહીવટ સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, સ્વિમિંગ પૂલમાં આ તરુણ અને તેનો એક અન્ય સંબંધી બંને સાથે નહાઈ રહ્યા હતા. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને બીજા તરુણે આ તરુણને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.
ચીફ ઓફિસરના આ નિવેદન બાદ સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જ્યારે નહાવા પડેલા બે તરુણો અંદરોઅંદર ઝઘડીને એકબીજાને પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સ્વિમિંગ પૂલ પર હાજર સ્વિમિંગ કોચ અને મેનેજર શું કરી રહ્યા હતા? તેમની હાજરી છતાં આવી જીવલેણ ઘટના કેવી રીતે ઘટી તે મોટો પ્રશ્ન છે અને તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે.
નોંધનીય છે કે આ સ્વિમિંગ પૂલ અગાઉથી જ ભારે વિવાદોમાં રહ્યો છે. અંદાજે ચારેક કરોડ રૂપિયાની કિંમતી જગ્યા માત્ર એક લાખ રૂપિયાના વાર્ષિક ભાડાથી ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આવી ગંભીર ઘટના બનતા પાલિકાના શાસકો સામે લોકોમાં ભારે ચર્ચા જાગી છે. જોકે, પાલિકા અને ખાનગી સંસ્થા વચ્ચે થયેલી શરતો મુજબ, સ્વિમિંગ પૂલમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ અઘટિત ઘટના ઘટે તો તેની તમામ જવાબદારી નગરપાલિકાની નહીં પરંતુ સંચાલન કરતી ખાનગી સંસ્થાની રહેશે તેવું સ્પષ્ટ જણાવેલું છે, જેથી હવે આ સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
