તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
ભાવનગર જિલ્લામાં 23 વર્ષીય યુવાને શરૂ કર્યું મશરૂમ ફાર્મિંગનું નવું મોડેલ: ઘર બન્યું ખેતીનું કેન્દ્ર:અન્ય યુવકો માટે પણ પ્રેરણારૂપ
ભાલ પંથક જ્યાં પાણીની અછતના કારણે પરંપરાગત ખેતી કરવી પણ ખેડૂતો માટે પડકારરૂપ બને છે ત્યાં એક યુવાને પોતાની કોઠાસૂઝ અને સાહસથી ખેતીનું નવું મોડેલ ઊભું કરવાનો પ્રયાસ કર્યો

ભાલ પંથક જ્યાં પાણીની અછતના કારણે પરંપરાગત ખેતી કરવી પણ ખેડૂતો માટે પડકારરૂપ બની રહે છે. ત્યાં એક 23 વર્ષીય યુવાને પોતાની કોઠાસૂઝ અને સાહસથી ખેતીનું નવું મોડેલ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામના આદર્શભાઈ ગઢવીએ પોતાના જ ઘરમાં વેસ્ટર મશરૂમ ફાર્મિંગ શરૂ કરી આત્મનિર્ભર બનવાની દિશામાં અનોખી પહેલ કરી છે. ઓછા પાણી અને મર્યાદિત જગ્યામાં પણ ખેતીની નવી તકો ઊભી થઈ શકે છે તેવો સંદેશ આ યુવાન આપી રહ્યો છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની શોધમાં મોટા શહેરો તરફ જવાને બદલે આદર્શભાઈએ પોતાના ગામમાં જ કંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો. પોતાના કઝિન પાસેથી મશરૂમ ફાર્મિંગની પ્રેરણા મેળવી તેમણે ઘરમાં જ વેસ્ટર મશરૂમનું ઉત્પાદન શરૂ કર્યું. જોકે, આ વ્યવસાય શરૂ કરવાની સફર સરળ નહોતી. શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ મક્કમ મનોબળ અને સતત મહેનતના કારણે આદર્શભાઈએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા.
હાલમાં તેમના ફાર્મમાં ઓર્ગેનિક પદ્ધતિથી મશરૂમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બજારમાં મશરૂમનો ભાવ પ્રતિ કિલો આશરે 250 રૂપિયાથી વધુ મળી રહ્યો હોવાનું જાણવા મળે છે. ખાસ વાત એ છે કે ભાલ જેવા પાણીની અછત ધરાવતા વિસ્તારમાં મશરૂમ ફાર્મિંગનો આ પ્રયોગ અન્ય યુવાનો અને ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. પરંપરાગત ખેતીની સાથે વૈકલ્પિક કૃષિ વ્યવસાય અપનાવીને સ્થાનિક સ્તરે જ રોજગારી અને આવકની નવી તકો ઊભી કરી શકાય છે. આમ, રતનપર ગાયકવાડી ગામના આદર્શભાઈ ગઢવીએ પોતાના નાના એવા પ્રયાસથી સાબિત કર્યું છે કે, સફળતા માટે માત્ર વિશાળ જમીન કે સંસાધનો જ નહીં, પરંતુ નવીન વિચાર, સાહસ અને મહેનત પણ જરૂરી છે. ખરેખર, ભાલની સૂકી ધરતી પર મશરૂમ ફાર્મિંગનો આ પ્રયોગ એટલે રણમાં કમળ ખીલવવાની એક પ્રેરણાદાયી શરૂઆત!
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
