તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ગોંડલ તાલુકામાં રીબડા અને અરડોઈ વચ્ચ ૨૬ વર્ષીય શ્રમિક યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ ૨૬ વર્ષીય ધર્મેન્દ્રભાઈ રામભરોસા ચૌહાણ તરીકે થઈ છે

રાજકોટ : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલ પંથકમાં આવેલા રીબડા રેલવે સ્ટેશન અને અરડોઈ રેલવે ટ્રેક વચ્ચે એક શ્રમિક યુવાને દોડતી ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટ્રેનની ભયાનક ટક્કર વાગવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રેલવે ટ્રેક પર સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
ગત મોડી રાત્રે આશરે ૧ વાગ્યાની આસપાસ વેરાવળથી ગાંધીનગર જતી ટ્રેન (નંબર ૨૨૯૫૮) પસાર થઈ રહી હતી, ત્યારે યુવાને અચાનક જ કાળમુખી ટ્રેનની સામે કૂદકો મારી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ ૨૬ વર્ષીય ધર્મેન્દ્રભાઈ રામભરોસા ચૌહાણ તરીકે થઈ છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ રાજકોટમાં રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. મૃતક ધર્મેન્દ્રભાઈના લગ્ન હજુ દોઢ વર્ષ પહેલાં જ થયા હતા અને તેમના પરિવારમાં માતા-પિતા, ભાઈ તેમજ બહેન હોવાનું સામે આવ્યું છે.
આ ભયાનક અકસ્માત અને આપઘાતની જાણ વાયુવેગે પ્રસરતાં જ રેલવે પોલીસ તેમજ ગોંડલ તાલુકા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને યુવાનના છિન્ન-ભિન્ન થઈ ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમની કાયદેસરની કાર્યવાહી અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. નવપરિણીત અને આશાસ્પદ શ્રમિક યુવાને કયા અગમ્ય કારણોસર કે માનસિક તણાવમાં આવીને આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે દિશામાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
