<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડેલા આંબલા ગામના ૩૫ વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત? : મોડી સાંજ સુધી શોધખોળ છતાં મૃતદેહ ન મળ્યો

સિહોરના ઈશ્વરપુર વિસ્તારની ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા પરણિત યુવક કાળનો પંજો ત્રાટક્યો : મામલતદાર સતીશભાઈ જાબુચા સહિત સિહોર અને ભાવનગરની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ

ઈશ્વરિયા:સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ પાસે આવેલી એક ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા ગયેલા યુવાનો પૈકી એક યુવક ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબલા ગામના મિત્રો સાથે રજાના માહોલમાં ન્હાવા પડેલા ૩૫ વર્ષીય પરણિત યુવક હરેશભાઈ ડાભી અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ન્હાવા જતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત:

બનાવની વિગત મુજબ, સિહોર તાલુકાના આંબલા ગામના કેટલાક યુવાનો બપોરના સમયે ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન હરેશભાઈ ડાભી નામના યુવક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સાથી મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યો હોવા છતાં યુવક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા આજુબાજુના ગ્રામજનો અને આગેવાનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

 

તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન:

આ બનાવની જાણ થતાં જ સિહોર મામલતદાર સતીશભાઈ જાબુચા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે ૧૦૮ બચાવ વિભાગના ભરતસિંહ પરમાર અને સંજયભાઈ ચૌહાણ પણ જોડાયા હતા. યુવકની શોધખોળ માટે સિહોર નગરપાલિકાની આપાતકાલીન બચાવ ટુકડીના જતીનભાઈ રાઠોડ, ભરતભાઈ મોરી અને લાલાભાઈ રાઠોડની ટીમે તપાસ શરૂ કરી હતી.

વધુમાં, ભાવનગર અગ્નિશમન વિભાગની ખાસ આપાતકાલીન ટુકડીના રમેશભાઈ રબારી, રવિરાજસિંહ ચુડાસમા, અરવિંદભાઈ ચૌધરી, નરેશભાઈ માલમ તેમજ સાગરભાઈ ભાદરકા અને રાકેશભાઈ ચૌધરી પણ આધુનિક ઉપકરણો સાથે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા. જોકે, મોડી સાંજ સુધી સઘન શોધખોળ કરવા છતાં પાણીમાં ડૂબેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

 

ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિ:

આ દુર્ઘટનાને પગલે ઈશ્વરિયા, રામધરી અને આંબલા ગામના લોકો મોટી સંખ્યામાં ખાણ પાસે એકઠા થયા હતા. તલાટી મંત્રી મૂકેશભાઈ પરમાર, અગ્રણી અમિતભાઈ લવતુકા, મૂકેશ પંડિત, ત્રિકમભાઈ નાકરાણી અને વિક્રમભાઈ મકવાણા સહિતના કાર્યકર્તાઓ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપવા માટે ખડેપગે રહ્યા હતા. પરણિત યુવકના ડૂબવાના સમાચારથી તેના પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા યુવકની શોધખોળ હજુ પણ જારી રાખવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:59 PM IST)