તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
જસદણ તાલુકામાં હીટવેવના કારણે મુંબઈથી દર્શનાર્થે આવેલા 66 વર્ષીય વૃદ્ધનું કરૂણમોત
કોઠી ગામ નજીક બપોરે રસ્તા પર ચાલતા દરમિયાન તેઓ બેભાન થઈ ગયા: સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા, સારવાર દરમિયાન મોત

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં હીટવેવના કારણે એક વૃદ્ધના મોતનો બનાવ સામે આવ્યો છે. મુંબઈથી દર્શનાર્થે આવેલા 66 વર્ષીય બિંદુ કુમાર ધીરજલાલ થોસીયા કોઠી ગામ વિસ્તારમાં બપોરના સમયે રસ્તા પર ચાલતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. વિસ્તારમાં ભારે ગરમી અને ઊંચા તાપમાનને કારણે તેઓની તબિયત લથડ્યાની માહિતી સામે આવી છે.
વૃદ્ધ બેભાન થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ હીટવેવ અને વધુ તાપમાનના કારણે વૃદ્ધની તબિયત બગડતાં મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તબીબો અને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તેમજ ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
