<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ઉના તાલુકાના નાદણ ગામે વાડીમાં રમતા 9 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો

પરિવારે પીછો કરતાં દીપડો બાળકને છોડી ભાગ્યો; વન વિભાગે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી.

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક અને સીમ વિસ્તારમાં આંટાફેરા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉના તાલુકાના નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક ત્રાટકેલા દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનોએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના હિંમતભેર દીપડાનો પીછો કરતાં આખરે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને સીમ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર નાદણ ગામની સીમમાં આવેલી વાડીમાં 9 વર્ષનો બાળક પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત હતો અને ત્યાં રમી રહ્યો હતો.દરમિયાન ઝાડી-ઝાંખરામાંથી અચાનક ધસી આવેલા શિકારી દીપડાએ બાળક પર હુમલો કરી તેને પોતાના જડબામાં પકડી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો.બાળકના આક્રંદ અને અવાજ સાંભળી આસપાસ રહેલા પરિવારજનો દોડી આવ્યા હતા અને લાકડીઓ તથા બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મૂકી હતી.લોકોનો ભારે ઘેરાવ અને અવાજ જોઈ દીપડો ગભરાઈને બાળકને પડતો મૂકી અંધારામાં અને સીમ તરફ નાસી ગયો હતો.દીપડાના નહોર અને દાંત વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા બાળકને પરિવારે તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની તબીબી સારવાર ચાલી રહી છે.

 

બનાવની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને બાળકની તબિયત તેમજ ઈજાઓ અંગે માહિતી મેળવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ નાદણ ગામની વાડી અને આસપાસના સીમ વિસ્તારમાં પહોંચી પગમાર્ક (પગલાં) ના આધારે દીપડાનું ચોક્કસ લોકેશન મેળવવા માટે કવાયત શરૂ કરી છે.આ હુમલાખોર દીપડાને વહેલી તકે પકડી શકાય તે માટે ઘટનાસ્થળ નજીક તાબડતોબ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.નાદણ અને આસપાસના ગામોમાં દીપડાના સતત વધી રહેલા આંટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માગણી કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સઘન પેટ્રોલિંગ વધારી દીપડાને પાંજરે પૂરવામાં આવે.

(11:03 PM IST)