<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ગીર સોમનાથના ઉના તાલુકાના ચીખલી ગામે દીવાળીના તહેવાર ટાણે સર્જાઈ મોટી હોનારત: બાઈકમાં પેટ્રોલ પૂરતી વેળાએ દીવાથી લાગેલી આગમાં ૨૦ લીટરના કેનમાં ધડાકો થતા એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા

ઘરમાં ફેલાયેલી ભીષણ આગથી બે વર્ષના માસૂમ બાળકને બચાવવા માતા-પિતા જીવના જોખમે આગમાં કૂદી પડ્યા, પિતા અને પુત્રની હાલત અત્યંત નાજુક જણાતા ભાવનગર રિફર કરાયા

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે તહેવારના પવિત્ર દિવસો વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવતી દુર્ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ પૂરતી વેળાએ દીવા પર પેટ્રોલ ઢોળાવાથી ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ૨૦ લીટરના પેટ્રોલના કેનમાં થયેલા શક્તિશાળી ધડાકાને કારણે એક જ પરિવારના ચાર સભ્યો આગની ચપેટમાં આવીને ગંભીર રીતે દાઝી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીખલી ગામે રહેતા એક શ્રમિક પરિવારની યુવતી ઘરની ઓસરીમાં મોટરસાઇકલની ટાંકીમાં કેનમાંથી પેટ્રોલ ભરી રહી હતી તે જ ક્ષણે નજીકમાં દીવાળીના પર્વ નિમિત્તે પ્રગટાવવામાં આવેલો દીવો અકસ્માતે પેટ્રોલના સંપર્કમાં આવી જતાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં ત્યાં જ રાખેલા આશરે ૨૦ લીટર પેટ્રોલના ભરેલા કેનમાં એક જોરદાર ધડાકો થતાં આગે આખા ઘરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ અચાનક થયેલા ધડાકા અને અફરાતફરી વચ્ચે રૂમની અંદર બેઠેલો બે વર્ષનો નાનો માસૂમ બાળક આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો, જેને વ્હાલસોયા પુત્રને બચાવવા માટે માતા અને પિતા બંને કોઈપણ જાતના ડર વગર સીધા આગમાં કૂદી પડ્યા હતા અને ગંભીર દાઝવાની પરવા કર્યા વગર બાળને સુરક્ષિત રીતે બહાર ખેંચી લાવ્યા હતા, પરંતુ આ બચાવ કામગીરી દરમિયાન માતા, પિતા, પુત્રી અને નાનો બાળક ચારેય સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘરની મૂલ્યવાન ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ, અગ્રણીઓ અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને દાઝી ગયેલા ચારેય સભ્યોને ત્વરિત સારવાર અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ પિતા અને બે વર્ષના માસૂમ પુત્રની તબિયત અત્યંત ગંભીર જણાતા તેમને વધુ અને સઘન સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે.

આ અણધારી અને ગોઝારી દુર્ઘટનાને પગલે સમગ્ર ચીખલી ગામમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે, જ્યારે તહેવારના દિવસે જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતાં પરિવારજનો પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે અને સૌ કોઈ ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(6:18 PM IST)