તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાવનગરના તળાજા હાઈવે પર પાર્ક કરેલી ખાનગી બસ પાછળ બાઈક અથડાતા જુના શોભાવડના યુવાનનું ઘટના સ્થળે જ મોત
બાઈક સીધું જ બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું:. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો

ભાવનગર જિલ્લાના તળાજા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલી એક ખાનગી લક્ઝરી બસની પાછળ બાઈક સવાર યુવાન પૂરપાટ ઝડપે ઘૂસી જતાં ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજા નજીક હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સની બસ સાઈડમાં પાર્ક કરેલી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મોટરસાઇકલ ચાલકને બસનો અંદાજ ન આવતા અથવા સ્પીડ વધુ હોવાને કારણે બાઈક સીધું જ બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ચીમનભાઈ રણછોડભાઈ તરીકે થઈ છે, જેઓ જુના શોભાવડ ગામના વતની હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા 112 ઇમરજન્સી પોલીસ,અને 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
