<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કાળમુખા અકસ્‍માતે ધ્રોલના અગ્રણી રમેશભાઈ ઝાકાસણીયા (વંદેમાતરમ)નો ભોગ લીધો!

કાર અને એક્‍ટિવા વચ્‍ચે થઈ હતી જોરદાર ટક્કરઃ આજે સવારે ૮:૩૦ વાગ્‍યે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા, અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૭: જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા નજીક સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બનેલા ધ્રોલના જાણીતા બિલ્‍ડર, પટેલ સમાજના અગ્રણી અને ભાજપના પીઢ આગેવાન રમેશભાઈ ઝાકાસણીયા (વંદેમાતરમ)નું જામનગરની હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતાં જ ધ્રોલ શહેર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વર્ષોથી સમાજસેવા અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહેલા રમેશભાઈની અચાનક વિદાયથી અનેક લોકોમાં ઘેરા દુઃખની લાગણી જોવા મળી હતી.

મળતી વિગતો મુજબ, રમેશભાઈ પોતાની વાડીએથી એક્‍ટિવા લઈને ધ્રોલ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ફલ્લા ગામ નજીક હાઈવે પર એક ફોરવ્‍હીલ કાર સાથે તેમના એક્‍ટિવાની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્‍માતમાં તેઓ રોડ પર ફંગોળાઈ જતાં શરીર તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્‍યા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તેમને તાત્‍કાલિક જામનગરની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

રમેશભાઈ ઝાકાસણીયા ધ્રોલના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે જાણીતી ઓળખ ધરાવતા હતા. કડવા પટેલ સમાજના અગ્રણી હોવા ઉપરાંત તેઓ ભાજપના પીઢ આગેવાન અને જાણીતા બિલ્‍ડર તરીકે પણ કાર્યરત હતા. શ્રી જી.એમ. પટેલ કન્‍યા વિદ્યાલય તેમજ પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્‍ટી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી. સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને કારણે તેઓ અનેક લોકોના સંપર્કમાં રહ્યા હતા. સમગ્ર પંથકમાં ‘વંદેમાતરમ' નામથી ઓળખાતા રમેશભાઈના નિધનથી સમાજ, શિક્ષણ જગત અને રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે.

સ્‍વ.રમેશભાઈ ઝાકાસણીયાની અંતિમયાત્રા આજે તા.૭/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૮:૩૦ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન ભવ્‍ય ગ્રીન સોસાયટી, ધ્રોલ ખાતેથી નીકળી હતી. અંતિમયાત્રામાં સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ, ભાજપના કાર્યકરો, તોહીજનો, મિત્રો તથા મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. સૌએ અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. ફલ્લા પાસે સર્જાયેલા અકસ્‍માતમાં ધ્રોલે એક જાણીતા સામાજિક આગેવાન ગુમાવતાં સમગ્ર પંથકમાં શોકની છાયા છવાઈ ગઈ છે.

(12:22 PM IST)