<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વાંકાનેરના માટેલ રોડ પરની 'એડીકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ' નામની કંપનીમાં ભીષણ આગ :7 ફાયર ફાઈટરોની ટીમ દોડી

આગની સ્થિતિને નિયંત્રિત કરવા માટે મોરબીથી 4, વાંકાનેરથી 1, હળવદથી 1 અને રાજકોટથી પણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે તૈનાત

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ એક પ્રતિષ્ઠિત પેપર મિલમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વાંકાનેરના માટેલ રોડ પર સ્થિત 'એડીકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ' નામની કંપનીમાં આ દુર્ઘટના ઘટી છે. મિલમાં પેપરનો વિશાળ જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને અગમ્ય કારણોસર લાગેલી આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં આસપાસના વિવિધ શહેરોમાંથી મદદ બોલાવવી પડી છે, જેમાં હાલમાં કુલ 7 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા માટે સતત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. 

આગની સ્થિતિને નિયંત્રિત કરવા માટે મોરબીથી 4, વાંકાનેરથી 1, હળવદથી 1 અને રાજકોટથી પણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. સદ્દનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ પેપર મિલમાં રહેલો લાખો રૂપિયાનો કાચોમાલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે.

(9:17 PM IST)