<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

હજારો કિમી લાંબો વાદળોનો કાફલો ધસી આવી રહ્યો છે : જુલાઈના છેલ્લા અઠવાડિયામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

પેસિફિકથી બંગાળની ખાડી સુધી સક્રિય થયો ITCZ પટ્ટો, અંતરિક્ષની તસવીરોમાં દેખાયો "વાદળોનો કારવાં", ચિંતામાં રહેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર

(ચંદ્રેશ હિરાણી દ્વારા)મોટી પાનેલી તા.૧૪ : દેશમાં ચોમાસાની ગતિ છેલ્લા કેટલાક દિવસોથી ધીમી પડતા ખેડૂતો અને સામાન્ય જનતા ચિંતામાં મુકાઈ ગઈ હતી. પરંતુ હવે રાહતના સમાચાર છે. અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે કે પેસિફિક મહાસાગરથી લઈને બંગાળની ખાડી સુધી હજારો કિલોમીટર લાંબો વાદળોનો એક વિશાળ કાફલો ભારત તરફ ધસી આવી રહ્યો છે.

 

હવામાન વિજ્ઞાનીઓના મતે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ "સૂતેલા" ચોમાસાને ફરીથી જગાડનારો કુદરતી સંકેત છે. જો હવામાનની સ્થિતિ યોજના મુજબ રહી તો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ભારતભરમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર વરસાદ વરસાવશે. 

હાલ ભારતના પૂર્વ ભાગથી લઈને મધ્ય પેસિફિક મહાસાગર સુધી આશરે 7,000 થી 10,000 કિલોમીટર લાંબો એક વિશાળ પટ્ટો સક્રિય થયો છે. હવામાનની ભાષામાં તેને _Intertropical Convergence Zone_ એટલે કે ITCZ કહેવામાં આવે છે.

ITCZ એ પૃથ્વીના વિષુવવૃત્ત નજીકનો એવો વિસ્તાર છે જ્યાં ઉત્તર અને દક્ષિણ દિશામાંથી આવતા ગરમ અને ભેજવાળા પવનો એકબીજા સાથે અથડાય છે. આ અથડામણને કારણે ગરમ હવા આકાશમાં ઊંચે ચડે છે અને વિશાળ વાદળોનું નિર્માણ થાય છે. આ વાદળો જ ભારતમાં ચોમાસાને સક્રિય કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

 

સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ રીતે બે મોટા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે આ વિશાળ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત થશે અને દેશના મોટાભાગના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે.

 

ખાસ કરીને મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી સપ્તાહથી વરસાદની ગતિ વધવાની આશા છે.

(4:34 PM IST)