તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બુલેટના કર્કશ અવાજ સાથે બજારમાં પૂરપાટ પસાર થનાર ચાલકને રોકી સૂચના આપતા ભાવનગરનાં પોલીસને છરી મારી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: વગોળ બજાર પોઈન્ટ પર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઙ્કનીત સોઢાતર પોતાના બે ટી.આર.બી. જવાનો સાથે રાબેતા મુજબ વાહનવ્યવહાર સુચારુ રાખવાની કામગીરીમાં વ્યસ્ત હતા. તે દરમિયાન ગીચ બજારમાંથી પસાર થઈ રહેલી એક બુલેટ મોટરસાયકલના મોડીફાઇડ સાયલેન્સરમાંથી અત્યંત કર્કશ અને કાન ફાડી નાખે તેવો અવાજ આવી રહ્યો હતો, જેનાથી વેપારીઓ અને રાહદારીઓમાં ભારે અકળામણ ફેલાઈ હતી.ફરજના ભાગરૂપે હેડ કોન્સ્ટેબલે બુલેટ ચાલકને અટકાવી શાંતિથી અને ધીમેથી વાહન ચલાવવા તેમજ બજારમાં ઘોંઘાટ ન કરવા સૂચના આપી હતી. તે વખતે ચાલકે પોતે મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હોવાનું બહાનું કાઢતાં માનવતાના ધોરણે પોલીસે તેને ત્યાંથી જવા દીધો હતો.
પરંતુ પોલીસની આ નરમાઈને પડકાર ગણી ટપાર્યાનો ખાર રાખીને આ શખ્સ થોડી જ વારમાં પગપાળા હાથમાં ધારદાર છરી લઈને પરત ફર્યો હતો. તેણે બજારની વચ્ચોવચ્ચ જોરજોરથી અપશબ્દો બોલી આતંકનું વાતાવરણ સર્જ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ઙ્કનીત સોઢાતર કંઈ સમજે તે પહેલાં જ તેણે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અચાનક છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ જીવલેણ હુમલામાં હેડ કોન્સ્ટેબલના હાથના ભાગે ઊંડો ઘા વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. પ્રતીક અમન તાત્કાલિક મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી હુમલાખોરને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં હુમલાખોરની ઓળખ શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા મયંક મનીષ ચૌહાણ તરીકે થઈ છે. પોલીસે તેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી અર્થે ગંગાજળિયા પોલીસ મથકને સોંપ્યો છે. ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને પોલીસબેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
