News of Tuesday, 20th October 2026
મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં સફાઈ કામ કરતી વખતે ડમ્પર ફરી વળતાં મહિલા શ્રમિકનું મોત.
કમર તથા નીચેના ભાગે ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા પ્રૌઢાએ દમ તોડ્યો : મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલા સિમેરો વિટ્રીફાઈડ કારખાનામાં સફાઈ કામ કરી રહેલા એક મહિલા શ્રમિક ઉપર ડમ્પર ફરી વળતાં ગંભીર અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. કારખાનાના ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કામ કરતી વેળાએ ડમ્પરના ચાલકે પોતાના વાહનને બેદરકારીથી ચલાવી મહિલાને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને કમર અને કમરથી નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યો બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા પરિવારજનો અને પોલીસ કાફલો તુરંત હોસ્પિટલ દોડી ગયો હતો, જ્યાં પોલીસે મૃતક મહિલાના પુત્રની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના નીચી માંડલ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા અને એ.સી. રિપેરીંગનું કામ ક૨તા દેવરાજભાઈ નરસિંહભાઈ સોલંકી (ઉ.વ. ૩૩) નામના યુવકના માતા અમરતબેન નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિમેરો વિટ્રીફાઈડ કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કામ કરતા હતા. દરમિયાન, મંગળવારના સવારના પોણા અગિયાર વાગ્યાના અરસામાં દેવરાજભાઈ પર તેમના મોટા બહેન ધનગવરીબેનનો ફોન આવ્યો હતો કે મમ્મીને કારખાનામાં ગાડીએ હડફેટે લીધા છે, જેથી તેઓ તુરંત કારખાને પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતા તેમના માતા અમરતબેન ડમ્પર ટ્રક પાછળ વ્હીલની બાજુમાં મૃત હાલતમાં પડેલા હતા અને તેમને કમર તથા નીચેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે ઊભેલા ડમ્પરના રજીસ્ટ્રેશન નંબર GJ-13-AX-4588 હોવાનું જણાયું હતું. સાથે કામ ક૨તી કૌટુંબિક કાકી સવિતાબેને પુત્રને જણાવ્યું હતું કે ડમ્પર ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી અમરતબેનને અડફેટે લીધા હતા.
આ બનાવ બન્યા બાદ સ્વજનો દ્વારા પ્રાઈવેટ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત અમરતબેનને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશ અંતિમવિધિ માટે પરિવારને સોંપવામાં આવી હતી. આ મામલે પુત્ર દેવરાજભાઈ સોલંકીની ફરિયાદ પરથી પોલીસે ડમ્પર ટ્રક નંબર GJ-13-AX-4588 ના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) સને ર૦ર૩ ની કલમ ર૮૧, ૧૦૬(૧) તેમજ મોટર વાહન અધિનિયમ (M.V. Act) ની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
