હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અબોલ જીવો પ્રત્યે ખેડૂતનો અનોખો પ્રેમ: કાલાવડના રામજીભાઈ દોંગાએ બળદ આશ્રમમાં ૪૦૦ મણ કોબીજનું કર્યું ઉમદા દાન
સૌરાષ્ટ્રમાં ઘાસચારાની અછત વચ્ચે પશુધન માટે આગળ આવ્યા ખેડૂતપુત્ર; ૮,૦૦૦ બળદોનો આશરો બનેલા સદભાવના આશ્રમમાં ટ્રક ભરીને કોબીજ પહોંચાડી માનવતા મહેકાવી.

કાલાવડ : સૌરાષ્ટ્રમાં ઉભી થયેલી અછતની પરિસ્થિતિ અને ઘાસચારાની સમસ્યા વચ્ચે પશુપાલકો પોતાના પશુધનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે કાલાવડ તાલુકાના ટોડા ગામના ખેડૂતપુત્ર રામજીભાઈ દોંગાએ અબોલ પશુઓ પ્રત્યે માનવતાની ઉત્કૃષ્ટ ભાવના દર્શાવીને સદભાવના બળદ આશ્રમ ખાતે ૪૦૦ મણ કોબીજનું દાન કરી એક પ્રેરણાદાયી પહેલ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશુઓ માટે ખોરાકની પૂરતી વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી હોવાના સમયે રામજીભાઈ આખો ટ્રક ભરીને આશરે ૩૦૦ થી ૪૦૦ મણ કોબીજ લઈને સદભાવના બળદ આશ્રમ ખાતે પહોંચ્યા હતા, જેથી આશ્રમમાં આશરો લઈ રહેલા હજારો અબોલ જીવોને પૌષ્ટિક ખોરાક મળી રહે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા આશ્રમ વર્તુળોએ જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રભરમાંથી વરસાદની ખેંચ અને ઘાસચારાની અછતના કારણે ખેડૂતો પોતાના પશુધનને આશ્રમે મૂકવા આવી રહ્યા છે, જ્યાં આશ્રમ પ્રશાસન દ્વારા ૮,૦૦૦ જેટલા બળદોની સંભાળ અને નિભાવની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
આવા કપરા સમયમાં ખેડૂતપુત્ર દ્વારા કરવામાં આવેલું આ દાન આશ્રમના સંચાલકો અને પશુપ્રેમીઓ માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થયું છે, અને આ ઉમદા કાર્યથી અન્ય દાતાઓ અને પશુપ્રેમીઓને પણ મદદ માટે આગળ આવવાની પ્રેરણા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સદભાવના બળદ આશ્રમ અસહાય અને નકામા થઈ ગયેલા પશુઓ માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે, જ્યાં દરરોજ સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણેથી પશુઓને આશરો આપવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે.
આગામી સમયમાં પણ આવી દાનવીર પ્રવૃત્તિઓ અને લોકસહયોગ થકી પશુધનની સુરક્ષા અને ઘાસચારાની સુવિધા સુચારુ રીતે જળવાઈ રહે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
