News of Tuesday, 17th November 2026
મોરબીમાં શનિ-૨વિવારે મંત્રી કાંતિભાઈ અમૃતિયા પ્રેરિત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન.
વીશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી 21 અને 22 નવેમ્બરે કેમ્પ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આશીર્વાદરૂપ બનેલા 'શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ' દ્વારા વર્ષ 1989 થી દર બે મહિને નિયમિત રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ શ્રુંખલામાં, ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (રાજ્યકક્ષા) મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાથી અને વીશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવારના સૌજન્યથી મોરબીમાં 202મા 'કેન્સર નિદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 21-11-2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાક સુધી અને તારીખ 22-11-2026 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક સુધી આ કેમ્પ યોજાશે. સરદાર રોડ પર નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3 ખાતે યોજાનાર આ વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના નિષ્ણાત કેન્સર સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) ખાસ ઉપસ્થિત રહીને દર્દીઓને તપાસશે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહના જણાવ્યા અનુસાર, આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરાનો મોબાઈલ નંબર 95370 99219 પર સંપર્ક કરી નામ નોંધાવી શકાશે. ઉપરાંત, દર્દીઓએ તપાસ અર્થે આવે ત્યારે પોતાના જૂના મેડિકલ રિપોર્ટ્સ અને કેસ પેપર્સ અચૂક સાથે લાવવાના રહેશે. મોરબી અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓને આ વિશેષ કેમ્પનો મહત્તમ લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
