<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક પેટ્રોકેમિકલ ભરેલી માલગાડી ટ્રેક નીચે ઉતરી ગઈ: ટ્રેન વ્યવહાર સંપૂર્ણ બંધ

ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા, ઘટનાના પગલે રાજકોટ, જામનગર, ઓખા, દ્વારકા અને વાંકાનેર તરફ જતી તમામ ટ્રેનોને અસર થઈ

સુરેન્દ્રનગર: જિલ્લામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જવા પામ્યો હતો. દૂધરેજ નજીક પેટ્રો કેમિકલ ભરેલી માલગાડીના 3 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી જતા રાજકોટ તરફ જતો મુખ્ય ટ્રેક બંધ થઈ ગયો છે. આ ઘટનાના પગલે રાજકોટ, જામનગર, ઓખા, દ્વારકા અને વાંકાનેર તરફ જતી તમામ ટ્રેનોને અસર થઈ છે અને મુસાફરોએ કલાકો સુધી પ્લેટફોર્મ પર અટવાઈ રહેવું પડી રહ્યું છે

બપોરના સમયે પેટ્રો કેમિકલ ભરેલી માલગાડી સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી. દરમિયાન દૂધરેજ નજીકના રેલવે ટ્રેક પર અચાનક ટ્રેનના ડબ્બાઓમાં જોરદાર આંચકો આવ્યો અને ત્રણ ડબ્બા પાટા નીચે ઉતરી ગયા. ડબ્બા પાટા પરથી ઉતરતાની સાથે જ મોટો અવાજ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રેનના ડ્રાઈવર અને અન્ય સ્ટાફના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ દુર્ઘટનામાં મુખ્ય અપ લાઈનનો પાટો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ જતો તમામ ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી મળતી માહિતી મુજબ ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર તરફ જતી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ પર સેંકડો મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેસી રહ્યા છે. છેલ્લા 3 કલાકથી વધુ સમયથી કોઈ ટ્રેન ઉપડી ન હોવાથી મુસાફરોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પાણી અને અન્ય સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રેન ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રાજકોટ ડિવિઝનના DRM સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાઓને હટાવવા અને ટ્રેકને ફરીથી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

(11:19 PM IST)