તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
જામનગરમાં હનીટ્રેપ અને અપહરણ કરી બળજબરીપૂર્વક નાણા પડાવનાર ટોળકી ઝડપાઈ, સીટી ‘સી’ ડિવિઝન પોલીસે યુવક-યુવતી સહિત બે કિશોરોને દમણથી પકડ્યા
ફરિયાદી હેમાંસુભાઈ વજાણીને પૂજા નામની મહિલાએ બોલાવી કારમાં બેસાડ્યા બાદ ચાર શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી, આરોપીઓએ અગાઉ રાજકોટમાં 10 લાખ અને જયશ્રી ટોકીઝ પાસે પણ ગુનો આચર્યાની કબૂલાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 18 : જામનગરમાં હનીટ્રેપ દ્વારા યુવાનનું અપહરણ કરી માર મારી લૂંટ ચલાવનાર ટોળકીને સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. પોલીસે જામનગરમાં રહેતા એક યુવક અને યુવતીની અટકાયત કરી છે અને તેમની સાથે બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને પણ દમણ ખાતેથી કબજામાં લીધા છે.
સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 61, 140(3), 189(2), 191(2), 191(3), 190, 118(1), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી હેમાંસુભાઈ જયંતીલાલ વજાણી, રહે. પંચેશ્વર ટાવર કચેરી ફળી ‘લક્ષ્મી ભવન’, જામનગર દ્વારા તા. 08/05/2026ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ મુજબ પુજા નામની મહિલાએ ફરિયાદીના મોબાઈલમાં મેસેજ કરી મળવા બોલાવ્યા હતા. ફરિયાદી પોતાની હોન્ડા કાર લઈને પહોંચતા પુજા તેમની કારમાં બેસી ગઈ હતી. ત્યારબાદ અન્ય ચાર આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક તેમની બલેનો કારમાં બેસાડી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ગળામાં રહેલ ચાંદીની ચેઇન, હાથમાં રહેલી ચાંદીની લકી તથા રોકડા રૂપિયા 1,400 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.
આ ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્તરાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવીમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભીની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વી.એ. પરમાર તથા ટીમે ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન આરોપી યશ ઉર્ફે આર્યન નરશેભાઈ રાઠોડ, ઉ.વ. 19, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં. 05, જામનગર તથા પુજા અરવિંદભાઈ પરમાર, ઉ.વ. 25, રહે. એજ સરનામે, તેમજ બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી કબજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવ્યા હોવાની કબૂલાત આપી છે. આશરે બે વર્ષ અગાઉ પુજા, સાદિક તથા વિજય સાથે મળી રાજકોટના નિમેષ પટેલ નામના વ્યક્તિને મોબાઈલ મારફતે બોલાવી તેનો અશ્લીલ વીડિયો બનાવી ધમકી આપી આશરે દસ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત આશરે છ મહિના પહેલા જયશ્રી ટોકીઝ પાસે ઢોસાની રેકડી ચલાવતા શ્યામભાઈ નામના વ્યક્તિને પણ આવી જ રીતે ફસાવી રૂપિયા પડાવ્યાની વિગતો સામે આવી છે.
આ સમગ્ર મામલે જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યાં વધુ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
