<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પ્રેમના નામે પિશાચી ખેલ! આણંદના શખ્સે પ્રથમ લગ્ન છુપાવી ભુજની યુવતી સાથે નિકાહ કર્યા, બાળકીના જન્મ બાદ WhatsApp પર 'તલાક' આપી લંડન ભાગી ગયો

ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટેલોમાં ગોંધી રાખી: કેનેડા મોકલી પોતે પહેલી પત્ની-બાળકો સાથે બ્રિટન ભેગો થઈ ગયો, ભુજ પોલીસ મથકે નરાધમ સામે ગુનો દાખલ

ભુજ : સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને વિશ્વાસઘાતની પરાકાષ્ઠા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુજની એક નિર્દોષ યુવતી સાથે પોતાના પ્રથમ લગ્નની વાત છુપાવી, પ્રેમજાળમાં ફસાવીને નિકાહ કર્યા બાદ તેને અમાનુષી શારીરિક-માનસિક ત્રાસ આપવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આણંદના એક કપટી શખ્સે માનવતા અને પવિત્ર સંબંધોના લીરેલીરા ઉડાડીને પત્નીને વોટ્સએપ (WhatsApp) પર એક ઓડિયો મેસેજ મોકલી 'ત્રિપલ તલાક' આપી દીધા છે અને પોતે વિદેશ ભાગી ગયો છે. આ મામલે ભુજ પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.

 

કોલેજકાળનો પ્રેમ અને કપટના નિકાહ:

આ ચોંકાવનારી ઘટનાની વિગતો મુજબ, ભુજની આરઠુબેન નામની યુવતી જ્યારે આણંદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતી હતી, ત્યારે તેની મુલાકાત ફિરોજઅલી નજીરઅલી સૈયદ નામના શખ્સ સાથે થઈ હતી. ફિરોજઅલીએ મીઠી-મીઠી વાતો કરીને યુવતીને પ્રેમની જાળમાં ફસાવી દીધી હતી. સમય જતાં પ્રેમ સંબંધ એટલો ગાઢ બન્યો કે બંનેએ મુસ્લિમ સમાજના રીત-રિવાજ મુજબ ભુજ ખાતે નિકાહ કરી લીધા હતા. જો કે, કપટી ફિરોજઅલીએ આ લગ્નથી પોતાના પરિવારને તદ્દન અજાણ રાખ્યા હતા, જેથી લગ્ન પ્રસંગે વરપક્ષ તરફથી કોઈ હાજર રહ્યું ન હતું.

 

સાસરે લઈ જવાના બદલે હોટેલોમાં રાખતો:

નિકાહ બાદ અસલી કાળી વાર્તા શરૂ થઈ હતી. આરોપી ફિરોજઅલી યુવતીને આણંદ તો લઈ ગયો, પરંતુ પોતાના ઘરે લઈ જવાના બદલે તેને અલગ-અલગ હોટેલોના રૂમમાં રાખતો હતો. પીડિતા જ્યારે પણ પોતાના સાસરે જવાની જીદ કરતી, ત્યારે આરોપી તેની સાથે મારઝૂડ કરતો અને ઘરમાંથી કાઢી મૂકવાની કે તલાક આપી દેવાની ધમકીઓ આપી માનસિક ટોર્ચર કરતો હતો. આ દરમિયાન આરોપીએ પોતાનો મોટો આર્થિક સ્વાર્થ સાધવા માટે યુવતીને કહ્યું કે, "મારા પરિવારજનો આપણા લગ્ન સ્વીકારશે નહીં, તું લોન લઈ લે આપણે કેનેડા સેટલ થઈ જઈએ." પતિના ભરોસે યુવતી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી, પરંતુ કપટી પતિ ત્યાં ન પહોંચતા તે લાચાર બનીને આણંદ પરત ફરી હતી.

 

બાળકીના જન્મ બાદ લંડન પલાયન અને ઓડિયોથી તલાક:

કેનેડાથી પરત આવ્યા બાદ પણ ફિરોજઅલીએ તેને હોટેલમાં જ રાખી હતી. દરમિયાન યુવતીએ એક માસૂમ બાળકીને જન્મ આપ્યો હતો, જે બાદ તેઓ ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. જો કે, થોડા જ સમયમાં પાપી ફિરોજઅલીએ નવો દાવ ખેલ્યો અને ‘મારા ઘરના લોકોને આપણા સંબંધોની ખબર પડી ગઈ છે’ તેમ બહાનું બતાવી યુવતીને ભુજ માવતરે મૂકીને ગાયબ થઈ ગયો અને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો.

 

યુવતીના પરિવારે જ્યારે આ અંગે ગુપ્ત તપાસ કરી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખબર પડી કે ફિરોજઅલી ઓલરેડી પરણેલો હતો અને તે ભુજની યુવતીને રઝળતી મૂકીને પોતાની પ્રથમ પત્ની અને બાળકો સાથે લંડન (બ્રિટન) ભેગો થઈ ગયો છે! આ મહાછેતરપિંડી અંગે જ્યારે યુવતીના ભાઈએ લંડન બેઠેલા ફિરોજઅલીનો વોટ્સએપ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નરાધમ ફિરોજઅલીએ શરમ નેવે મૂકીને યુવતીને એક ઓડિયો ક્લિપ મોકલી વોટ્સએપ પર જ તલાક આપી દીધા હતા. ભોગ બનનાર મજબૂર યુવતીની ફરિયાદના આધારે ભુજ પોલીસે ગુનો નોંધીને આ આંતરરાષ્ટ્રીય સ્તરના ઠગ પતિને કાયદાના સળિયા પાછળ લાવવા માટે કાનૂની ચક્રો ગતિમાન કર્યા છે.

(7:18 PM IST)