હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાલીતાણા અને જેસર તાલુકાના ૧૮ ગામોમાં ૫૧ કિલોમીટરની 'સુપોષણ જ્યોત પદયાત્રા'નું ભવ્ય સમાપન
નૂતનસિંહ ગોહિલના નેતૃત્વમાં ચારેય દિવસ ચાલેલા આ જનજાગૃતિ અભિયાનમાં ૩૨૦૦ લોકોએ કુપોષણ મુક્ત આહાર અને સુપોષણયુક્ત જીવનશૈલી અપનાવવાનો લીધો સંકલ્પ

પાલીતાણા : નૂતનસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ પાલીતાણા અને જેસર તાલુકાના ૧૮ ગામોમાં યોજાયેલી ૫૧ કિલોમીટર લાંબી 'સુપોષણ જ્યોત પદયાત્રા ૨૦૨૬' નું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ચાર દિવસ સુધી ચાલેલા આ વ્યાપક જનજાગૃતિ અભિયાનને ગ્રામીણ વિસ્તારોમાં લોકોનો અભૂતપૂર્વ અને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. વિશાળ જનસમર્થન સાથે સંપન્ન થયેલી આ યાત્રા દરમિયાન કુલ ૩૨૦૦ જેટલા નાગરિકોએ બજારમાં મળતા બિનઆરોગ્યપ્રદ અને સસ્તા પડીકાં નહીં ખાવાનો તેમજ કુપોષણ મુક્ત આહાર અને સુપોષણયુક્ત જીવનશૈલી અપનાવવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.
ગામોમાં સન્માન સમારોહ અને ભવ્ય સ્વાગત:
યાત્રાના માર્ગ પર આવતા દરેક ગામમાં સામાજિક ચેતનાના સુંદર પ્રસાર અર્થે વિશેષ સન્માન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર દીકરીઓ, ગામના સૌથી વડીલ માતાઓ, આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવનાર પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યાત્રાના સમાપન અવસરે ઉત્તરા બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ, પાલીતાણા તથા આસપાસની સરકારી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહમાં જિલ્લા તથા તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કુપોષણ મુક્ત તાલુકો બનાવવાનો સંકલ્પ:
આ પ્રસંગે નૂતનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ ૫૧ કિલોમીટરની યાત્રા માત્ર અંતર કાપવાનું માધ્યમ નથી, પરંતુ ૧૮ ગામોના સ્વસ્થ ભવિષ્ય માટેનો એક મક્કમ સંકલ્પ છે. દીકરીઓ અને માતાઓનું સન્માન એ જ સાચા સુપોષણની સાચી શરૂઆત છે. '૧૦૦૦ દિવસ સુપોષણ જ્યોત અભિયાન' અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ પાલીતાણા તાલુકામાં ૧૦૮ કિલોમીટરની યાત્રા ૩૮ ગામોમાં યોજાઈ હતી, જેના પરિણામે લોકોમાં વ્યાપક જનજાગૃતિ આવી હતી અને કુપોષિત બાળકોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને આ વર્ષે પણ આ અભિયાન આગળ વધારવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ યથાર્થ પ્રયાસો દ્વારા તાલુકાને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
