તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
મોરબીમાં અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી. વિશાળ સંખ્યામાં ભરવાડ રબારી સમાજ જોડાયો.
52 ગજની ધ્વજારોહણ વિધિ સાથે મહાપ્રસાદમાં ભક્તોને 400 કિલો શુદ્ધ ઘીનો શીરો પીરસાયો : DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI અને 170 પોલીસ કર્મીઓએ જાળવ્યો બંદોબસ્ત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભરવાડ અને રબારી સમાજના આરાધ્ય મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રા કાઢવામાં આવી હતી.. છેલ્લા 22 વર્ષથી યોજાતી આ રથયાત્રા મહેન્દ્રપરા સ્થિત મચ્છો માતાજીની જગ્યાથી પ્રસ્થાન પામી હતી. અને સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરૂ ગેટ ચોક તેમજ ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજતા મચ્છુ માતાજી અને પુનિયા મામાના મંદિરે વાજતે-ગાજતે પહોંચી હતી.
રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના પારંપરિક રાસ અને હુડો રાસે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો માટે સમાજ તરફથી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરવામાં આવી હતી. માઈભક્તો માટે ફરાળની વ્યવસ્થા સાથે 400 કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકીભાજી અને ચેવડો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા 200 થી વધુ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી હતી. 22 વર્ષ પહેલાં પ્રાગટ્ય દિવસની ઉજવણી માત્ર 10 થી 15 લોકો જ માતાજીના વાઘા બદલીને અને ધજા ચડાવીને સાદાઈથી ક૨તા હતા. પરંતુ આજે ભક્તોની અપાર શ્રદ્ધાથી આ ઉજવણીએ એક ભવ્ય રથયાત્રાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI તેમજ 170 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ ક૨વામાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરા દ્વારા પણ સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
