તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
અષાઢી બીજના પાવન પર્વે દ્વારકાધીશ મંદિરમાં યોજાશે ભવ્ય "રથયાત્રા ઉત્સવ" : વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા દર્શનના વિશેષ સમયપત્રકની જાહેરાત
૧૫ જુલાઈના રોજ બુધવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના રથયાત્રા ઉત્સવના વિશેષ દર્શન યોજાશે : સવારે ૬:૩૦ વાગ્યે મંગલા આરતી સાથે નિત્યક્રમ યથાવત રહેશે

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા: જગત મંદિર દ્વારકા ખાતે આગામી અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે ભગવાન દ્વારકાધીશના વિશેષ ઉત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૫/૦૭/૨૦૨૬ને બુધવાર માહે અષાઢ સુદ-બીજના પાવન દિવસે મંદિરમાં યોજાનારા "રથયાત્રા ઉત્સવ" અંતર્ગત દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અને વિશેષ સમયપત્રકની સત્તાવાર જાહેરાત વહીવટદાર કચેરી દ્વારા કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ કલેકટર અને શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ (GAS) દ્વારા સહી કરેલી સત્તાવાર જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડીને દેશ-વિદેશના તમામ વિષ્ણુભક્તો અને વૈષ્ણવોને આ પાવન દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અષાઢી બીજના દિવસે શ્રીજીના દર્શનનો ક્રમ આ મુજબ રહેશે:
૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ રથયાત્રા મહોત્સવ અંતર્ગત મંદિરના દ્વાર ખોલવાથી લઈને આરતી અને વિશેષ દર્શનનો સમય નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યો છે:
મંગલા આરતી: સવારે ૦૬:૩૦ વાગ્યે
સવારના અન્ય ક્રમ: મંદિરના નિત્ય નિયમ મુજબ ચાલુ રહેશે
"રથયાત્રા ઉત્સવ" વિશેષ દર્શન: સાંજે ૦૫:૦૦ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી
સાંજના અન્ય ક્રમ: આ વિશેષ ઉત્સવ સિવાયના અન્ય તમામ ક્રમ નિત્ય નિયમ મુજબ રહેશે
ક્યુઆર કોડ સ્કેન કરીને ઘરે બેઠા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન કરી શકાશે:
જગત મંદિર વહીવટદાર કચેરી દ્વારા આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે વૈષ્ણવો માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પ્રત્યક્ષ રીતે દ્વારકા આવી શકતા નથી, તેઓ ઘરે બેઠા ભગવાન દ્વારકાધીશના રથયાત્રા ઉત્સવના દર્શન કરી શકે તે માટે મંદિર વહીવટદાર દ્વારા ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક ધરાવતો "QR CODE" જાહેર કરવામાં આવ્યો છે. વૈષ્ણવો આ ક્યુઆર કોડ સ્કેન કરીને સીધા જ ઓનલાઈન માધ્યમથી લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે.
કલેકટર અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ વહીવટી તંત્રને નકલ રવાના:
આ ભવ્ય ઉત્સવના સુચારૂ આયોજન, કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવાના ભાગરૂપે આ સત્તાવાર વિજ્ઞપ્તિની નકલ દેવભૂમિ દ્વારકાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, દ્વારકાના પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી. (મંદિર સુરક્ષા)ને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના પુજારી પ્રતિનિધિ, વારાદાર પુજારી, શારદાપીઠના વ્યવસ્થાપક, બેટ દેવસ્થાન સમિતિના વ્યવસ્થાપક, મામલતદાર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ સંચાલન માટે આ પત્રથી માહિતગાર કરવામાં આવ્યા છે. માહિતી નિયામક દેવભૂમિ દ્વારકાને આ યાદી પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં બહોળી પ્રસિદ્ધિ માટે મોકલવામાં આવી છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
