<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ધીરુભાઈના વતન ચોરવાડમાં 25 હજારથી વધુ ગ્રામજનોના સમૂહ ભોજન અને લોકડાયરા સાથે જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના ધમાકેદાર લિસ્ટિંગની ભવ્ય ઉજવણી : જિયો માટે ધીરુભાઈએ જોયેલા સ્વપ્નને અંબાણી પરિવારે અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું: પરિમલભાઈ નથવાણી

કાર્યક્રમમાં 25,000થી વધુ ગ્રામજનોએ પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો : લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલીથી હજારો શ્રોતાઓને ડોલાવ્યા : હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્ય રજૂ કરી સૌને પેટ પકડીને હસાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯ : જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુની 21 ટકા કરતાં વધારે પ્રિમિયમ સાથે ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગની ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં દ્વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

બુધવારે રાત્રે ચોરવાડમાં 25,000 કરતાં વધારે ગ્રામજનોના સમૂહ ભોજન (પ્રીતિભોજન) અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્ય તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

આ પ્રસંગે ચોરવાડવાસીઓને અંબાણી પરિવારના જ સભ્ય હોવાની અનુભૂતિ કરાવતા શ્રી નથવાણીએ સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે વર્ષ 1995માં ધીરુભાઈ અને કોકિલાબેન સાથે ચોરવાડ અને કુકસવાડાની ત્રિ-દિવસીય મુલાકાતને યાદ કરી તે સમયના સાથીઓને મંચ પરથી યાદ કર્યા હતા.

 

ભાવુક સ્વરે તેમણે જણાવ્યું હતું કે, "ધીરુભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સમી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જે રીતે વૈશ્વિક હરણફાળ પ્રગતિ કરી છે, તે જ રીતે તેમના વધુ એક સ્વપ્ન જિયો પ્લેટફોર્મ્સે પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અંબાણી પરિવારના મોભી  મુકેશભાઈ અને તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંતે જે રીતે ધીરુભાઈના સ્વપ્નને અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કરી બતાવ્યું છે તે ન માત્ર અંબાણી પરિવાર પરંતુ દેશ માટે પણ ગૌરવપૂર્ણ છે."

 

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં રિલાયન્સના IPO વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર જે વિશ્વાસ મૂક્યો હતો, એ જ વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પર અકબંધ છે, તે જિયોના ઐતિહાસિક લિસ્ટિંગ પરથી જણાઈ આવે છે.

 

ધીરુભાઈ જ્યારે રિલાયન્સનો IPO લાવ્યા ત્યારે ચોરવાડવાસીઓને શેર આપવાથી લઈ તેમની નાની-મોટી ખુશીઓમાં સહભાગી બનાવ્યા હતા. આજે તેમના જ સ્વપ્ન એવા જિયો પ્લેટફોર્મ્સની સફળતામાં પણ અંબાણી પરિવારે વતનને ભુલ્યું નથી અને બીજી-ત્રીજી પેઢીએ આ વારસો જાળવ્યો છે.

 

તેમણે 2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, એચ.જી.અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત એચ.જી.અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની સુવિધાઓને પણ યાદ કરાવી હતી અને આ વૈશ્વિક સિદ્ધિમાં સહયોગ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં 25,000થી વધુ ગ્રામજનોએ પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલીથી હજારો શ્રોતાઓને ડોલાવ્યા હતા, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ તળપદી ભાષામાં હાસ્ય રજૂ કરી સૌને પેટ પકડીને હસાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:39 PM IST)