તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
હિટ એન્ડ રન અકસ્માતમાં કચ્છના શિપિંગ ક્ષેત્રના વરિષ્ઠ પત્રકાર પી. જી. નાયરનું કરુણ નિધન
એક્ઝિમ ન્યૂઝના પત્રકાર પી.જી. નાયર ગાંધીધામથી કંડલા જતા હતા ત્યારે તેમની કારને પૂરપાટ આવતી ટ્રકે ટક્કર મારી, અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ : શિપિંગ ક્ષેત્રના કચ્છના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર તથા ‘એક્ઝિમ ન્યૂઝ’ સાથે વર્ષોથી સંકળાયેલા પી. જી. નાયર (પી. ગોપીનાથન કેશવન નાયર, ઉં. 68)નું માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થતાં પત્રકારત્વ અને અખબારી આલમમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, બપોરે આશરે 3:30 વાગ્યાના અરસામાં ગાંધીધામ-કંડલા હાઇવે પર ઇમામી કંપની સામે આ અકસ્માત સર્જાયો હતો. આદિપુરના રહેવાસી પી. જી. નાયર પોતાની કાર લઈને કંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્મતની ગંભીરતા વચ્ચે નાયરના મોબાઈલ ફોનમાંથી પરિવારજનોને SOS લોકેશન મેસેજ મળતાં પરિવાર ચિંતિત બન્યો હતો. પરિવારજનોએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમના જમાઈના ભાઈ લોકેશનના આધારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં નાયર કારની ડ્રાઈવર સીટ પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. લોકોની મદદથી ઈજાગ્રસ્ત નાયરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આદિપુરની રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં કંડલા મરીન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહન અને તેના ચાલકને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સદ્ગત પી. જી. નાયર શિપિંગ ક્ષેત્રના એક્ઝિમ ન્યૂઝ સાથે લાંબા સમયથી સંકળાયેલા હોવાથી તેમના આકસ્મિક અવસાનથી સ્થાનિક પત્રકારત્વ જગત, શિપિંગ ક્ષેત્ર અને અખબારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
