તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 24th April 2026
સુરેન્દ્રનગરના કલ્યાણપરા પાસે ગોઝારો અકસ્માત: બોલેરોની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના ૩ ના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપરા ગામ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જી ચાલક ફરાર, સીસીટીવીના આધારે તપાસ: નેશનલ હાઈવે પર વધતા અકસ્માતોથી લોકોમાં ભયનો માહોલ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૪ : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપરા ગામ નજીક નેશનલ હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. અકસ્માત સર્જી બોલેરો પીકઅપ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી કલ્યાણપરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઇવે દિન પ્રતિદિન ગોઝારા સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગઈકાલે જ મુળી પાસે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોતની શાહી સુકાઈ નથી ત્યાં ફરીવાર આ દુર્ઘટના સર્જાઈ છે.
લખતર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મેણીયા પરિવારના સભ્યો બાઈક પર કલ્યાણપરાથી નભોઇ તરફ જઈ રહ્યા હતા. કમીજલા અને વનથળ વચ્ચે પહોંચતા એક બોલેરો પીકઅપ ગાડીએ પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઈક પર સવાર મેણીયા પરિવારના ત્રણ સભ્યોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 અને લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને લખતર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર વાહન ચાલકને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
