News of Thursday, 21st May 2026
ટંકારાના સરાયા ગામે ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે પણ દવા ગટગટાવી
પત્નીનું ઘટનાસ્થળે જ મોત : પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : ટંકારા પોલીસે તપાસ હાથ ધરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૧ : ટંકારા તાલુકાના સરાયા ગામે ઘરકંકાસે ભયંકર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મળતી માહિતી મુજબ સરાયા ગામે અનિલ પટેલની વાડીમાં રહેતા રૂકમાબેન લક્ષ્મણભાઈ કટીજા, ઉ.વ. આશરે 40, ની તેમના પતિ લક્ષ્મણભાઈએ કોઈ અગમ્ય કારણોસર હત્યા કરી નાખી હતી. પત્નીને પતાવી દીધા બાદ પતિ લક્ષ્મણભાઈએ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રૂકમાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર હાલતમાં લક્ષ્મણભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ટંકારા પોલીસે મૃતક રૂકમાબેનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ પોલીસે ગુનો નોંધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
