News of Saturday, 28th November 2026
વેરાવળના સમુદ્ર હથેળી ઉપર તરશે ૨૨૦૦ ટનનું વિરાટ મહાકાય જહાજ
સાગર ખેડુ માછીમાર સમાજના ગૌરવમાં થશે વધારો : ૧૫૧ ફૂટ લંબાઈ, ૫૫ ફૂટ પહોળાઈ અને ૨૭ ફૂટ ઊંચાઈ ધરાવતું જહાજ સ્વદેશી રીતે અને સ્વરોજગારીથી નિર્માણ પામ્યું ૧૨ થી ૧૪ કરોડના ખર્ચે બનેલા જહાજમાં કિચન, એસી રૂમ, નાસ્તારૂમ અને સ્ટોરરૂમ સહિત ઘર જેવી તમામ સુવિધાઃ તૈયાર થયા બાદ ઓખા-દુબઈ-સોમાલિયા સહિત દેશ-વિદેશના કરશે ફેરા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૨૮: વેરાવળના સમુદ્ર હથેળી ઉપર આગામી મહિનામાં ૨૨૦૦ ટનનું વિરાટ મહાકાય જહાજ તરતું થશે. સાગર ખેડુ માછીમાર સમાજનું ગૌરવ વધારનારા અને દેશના વિકાસના મહત્વના કદમ સમું આ વિરાટ મહાકાય જહાજ વેરાવળ બંદર ખાતે બની રહ્યું છે.
આ અંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાએ એક મુલાકાતમાં જણાવ્યું કે, આ જહાજ ૨૨૦૦ ટનનું બનેલ છે, જેની લંબાઈ ૧૫૧ ફૂટ અને પહોળાઈ ૫૫ ફૂટ અને ઊંચાઈ ૨૭ ફૂટ છે. સમગ્ર જહાજ બનતા અંદાજે રૂપિયા ૧૨ થી ૧૪ કરોડ થવા જાય છે. આ જહાજ બનવામાં સાલુડ નામનું લાકડું અને ૧૫૦ ગાડી બાવળનું લાકડું વપરાય છે, જે એક ગાડીમાં ૧૦ ટન લાકડા હોય છે. પર ઘન ફૂટ ખોખું તૈયાર કરવામાં રૂપિયા ૬૫,૦૦૦ જેટલો ખર્ચ આવે છે.
જહાજ બનતા દોઢ વર્ષ જેટલો સમય લાગે છે, પણ જો આર્થિક કારણસર વિલંબ થાય તો ત્રણ થી ચાર વર્ષ લાગે છે. જહાજના ફીટીંગમાં ખીલાની જગ્યાએ નટ બોલ્ટ વપરાય છે. સમુદ્રમાં જહાજ સંચાલન માટે ૧૨ માણસો કાર્યરત રહેતા હોય છે, જેમાં તેનો મુખ્ય ટંડેલ હોય છે. આ જહાજ બનવામાં ૩૦ થી ૩૫ કારીગરો કાર્યરત રહેતા હોય છે.
આ જહાજમાં કિચન, એસી રૂમ, લેટ્રીન, નાસ્તારૂમ, સ્ટોરરૂમ, આમ ઘર જેવું જ હોય છે. વહાણને દરિયાની ખારાશ ન લાગે તે માટે ખાસ પ્રકારનો કલર લગાડવામાં આવે છે. આ વહાણ બનાવવા સ્વરોજગારી અને સ્વદેશી રીતે બનાવાયેલ છે.
અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાએ વિશેષમાં જણાવ્યું કે, આ જહાજ દરિયામાં તરતું થશે ત્યારે સ્વદેશી ઉદ્યોગ ક્ષેત્રે ભારતની શાન અને ગૌરવ વધારશે. તૈયાર થયા બાદ જહાજ ઓખા-દુબઈ-સોમાલિયા સહિત દેશ-વિદેશના ફેરા કરશે અને વેરાવળ તો પછી વર્ષમાં માત્ર એકાદ વખત આવવાનું થાય તો થાય તેવી કામગીરી રહેશે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
