તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીમાં નારી શક્તિનો પ્રચંડ હૂંકાર : ૧૧૧૧ થી વધુ સ્કૂટર સાથે નીકળેલી મહિલાઓની મહારેલી જેતપર ઉપવાસ છાવણીમાં પહોંચી
જેતપરમાં ગ્રામજનોએ સામસામે ઊભા રહી ખાસ કોરિડોર બનાવી બહેનોનું ઉમળકાભેર કર્યું ભવ્ય સ્વાગત : સરદાર સ્ટેચ્યુથી પ્રસ્થાન પામેલી ભવ્ય રેલી મહેન્દ્રનગર ચોકડી થઈ પહોંચતા ખેડૂતોનો જુસ્સો બમણો થયો

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : વીજલાઈન મુદ્દે મોરબીના જેતપર ગામે ન્યાયની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે હવે નારી શક્તિ પણ સંપૂર્ણપણે મેદાને આવી ગઈ છે. મોરબીમાં મહિલાઓ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશાળ અને ઐતિહાસિક એક્ટિવા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસેથી પ્રસ્થાન પામી હતી. આ મહારેલીની ખાસ વિશેષતા એ રહી હતી કે તેમાં ૧૧૧૧ થી વધુ મહિલાઓ પોતાના વાહનો સાથે કોઈ પણ આગ્રહ વિના સ્વયંભૂ રીતે જોડાઈ હતી, જેને પગલે મોરબીના માર્ગો નારી શક્તિના પ્રચંડ જુસ્સાથી ગુંજી ઉઠ્યા હતા.
ગ્રામજનોએ કોરિડોર બનાવી બહેનોને આવકારી:
સરદાર સ્ટેચ્યુ પાસેથી નીકળેલી આ રણચંડીઓની ભવ્ય મહારેલી મહેન્દ્રનગર ચોકડી થઈને જેતપર મુકામે પહોંચી હતી. આ આયોજનને લઈને જેતપર ગામના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલી જ્યારે જેતપર ગામે પ્રવેશી ત્યારે ગ્રામજનોએ એક અનન્ય આદરભાવ દર્શાવતા રસ્તાની સામસામે લાઈનબદ્ધ ઊભા રહીને એક ભવ્ય કોરિડોર બનાવ્યો હતો. આ કોરિડોર વચ્ચેથી પસાર થતી તમામ બહેનોનું ગ્રામજનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને આંદોલન સ્થળે આવકારવામાં આવી હતી.
ઉપવાસી ખેડૂતોનો જુસ્સો વધુ મજબૂત બન્યો:
જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણીમાં છેલ્લા કેટલાય દિવસોથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે આ વિશાળ મહિલા શક્તિ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત રહીને બહેનોએ ખેડૂત આંદોલનને અદેપર ગ્રામ પંચાયત અને અન્ય સંગઠનોની જેમ જ પોતાનું પણ પૂરું અને સક્રિય સમર્થન જાહેર કર્યું હતું. ૧૧૧૧ કરતાં વધુ સ્કૂટર અને એક્ટિવા વાહનો સાથે બહેનોના આ અભૂતપૂર્વ અને સ્વયંભૂ જોડાણથી છેલ્લા ૧૧ દિવસથી ન્યાયની લડત લડી રહેલા ખેડૂતોનો જુસ્સો અને મનોબળ વધુ મજબૂત બન્યા છે. નારી શક્તિના આ આગમનથી વહીવટી તંત્ર પર પણ દબાણ વધ્યું છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
