તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કચ્છના કોઠારા જૈન તીર્થે સાધુ ભગવંતોના ચાર્તુમાસ પ્રવેશમાં મોટી સંખ્યામાં શ્રાવકો ઉમટ્યા
સાફા દુપટાથી સજ્જ શ્રાવકો, બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ, બેડા, ધ્વજા, પતાકા, ગહુંલીઓ સામૈયાનું મુખ્ય આકર્ષણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : કચ્છના અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા જૈન તીર્થે પ. પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનસાગરજી મ. સા. ચાર્તુમાસ પ્રવેશ કરતાં શ્રી કોઠારા જૈન મહાજનશ્રી દ્વારા શાનદાર સામૈયું કરવામાં આવેલ.
કોઠારા પાળેશ્ર્વર મહાદેવ મંદિર પ્રાંગણેથી સ્વાગત યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સાફા દુપટાથી સજ્જ શ્રાવકો, બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ, બેડા, ધ્વજા, પતાકા, ગહુંલીઓ સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
સ્વાગત યાત્રામાં કોઠારા જૈન સમાજની ત્રણે સંસ્થાઓનાં ટ્રસ્ટી શ્રી મધુકાન્તભાઇ શાહ, મિતેશભાઇ ધરમશી, પ્રવિણભાઇ ટી. લોડાયા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઇ દરજી, સિંધોડી ગામનાં સરપંચ ગોપાલભાઇ ગઢવી, કાનજીભાઇ ગઢવી, ગોવિંદજી પટેલ, પદમશીંભાઇ નાગડા, દીપકભાઇ ડાઘા, કાંતિલાલ લાલકા, પદમભાઇ લોડાયા, ચેતન ખોના, કીર્તી ધરમશી, જવેરચંદ કે. ખોના, રમેશ સોની, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, ધનપતિ લોડાયા, પ્રવિણ મોતા, ગુલાબ ધરમશી, પ્રદિપ મુનવર, દીનેશ મોતા, દામજી ચૌહાણ, વીરચંદ લોડાયા, હીરાચંદ મૈશેરી, રઘુભા જાડેજા તથા અબડાસાના જૈન વસ્તીવાળા ગામોનાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પ્રેમચંદભાઇ મોમાયાએ ધાર્મિક નારાઓ બોલાવી રાસની રમઝટ જમાવી હતી. રમીલાબેન લોડાયા તથા વિમળાબેન લોડાયાએ સ્વાગત ગીત રજુ કર્યું હતું.
પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતાં ચાર્તુમાસનો તપારાધનાનો મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, કોઠારાની ભવ્ય ભૂમિ, શાંતિનાથ દાદાની છત્ર છાયા, જિનાલય બંધાવનાર શ્રેષ્ઠીવર્યો અને ગામનાં મુંબઇ, દેશાવર, કચ્છ વસતા સમાજનાં આગેવાનોની પોતાનાં ગામ અને સમાજ પ્રત્યેની ભાવનાઓને બિરદાવી હતી. ચાર્તુમાસ દરમ્યાન થનાર ધર્મરાધનાઓની સમજ આપી હતી.
કાનજીભાઇ ગઢવી, દીપકભાઇ ડાઘા, પ્રવિણ મોતા, ચેતન ખોના, કિરણભાઇ કારાણીએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય રજુ કરતાં જણાવ્યું હતું કે, ચાર્તુમાસનાં ચાર મહિના વધુને વધુ તપારાધના કરી જીવનને ધન્ય બનાવવું જોઇએ.
સૂત્ર વહોરાવવાનાં ચડાવાનો લાભ માતુશ્રી બચુબેન જયંતિલાલ ડાયાલાલ ગાલા દેવપુર પરિવારે જ્યારે ચરિત્ર વહોરાવવાનો લાભ મિતેશભાઇ મધુકાન્ત ધરમશી ગાંધીધામ પરિવારે લીધેલ.આ અવસરે અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કોઠારા ગામનાં શ્રી વિનોદભાઇ દરજી તથા સિંધોડી ગામનાં સરપંચ ગોપાલભાઇ ગઢવીનું કોઠારા જૈન મહાજનશ્રી દ્વારા બહુમાન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
સિંધોડી પ્રાથમિક શાળાનાં 40 બાળકોએ નવકાર મંત્ર, ચૈત્યવંદન તથા જૈન સ્તવનો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચારણ ગઢવી સમાજનાં બાળકોનાં શિસ્ત-સંસ્કારની ભારે પ્રશંસા કરવામાં આવેલ. પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધનસાગરજી મ. સા.એ પોતાનાં સિંધોડી ગામનાં ચાર્તુમાસ દરમ્યાન આ બાળકોને ધાર્મિક સંસ્કારો આપ્યા હતા. જે બાળકોએ પોતાનાં જીવનમાં ઉતાર્યા હતા.
સવારની નવકારશીનો લાભ માતુશ્રી કસ્તુરબાઇ હીરાચંદ મુનવર પરિવારે જયારે બપોરની સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કાન્તાબેન ગોવિંદજી અજાણી પરિવારે લીધેલ. કાર્યક્રમનું સંચાલન પ્રવિણ ટી. લોડાયાએ કરેલ. સમગ્ર વ્યવસ્થા પનુભા ધલ, ગિરીશ મોમાયાએ સંભાળી હતી.
શ્રી કોઠારા ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજન પ્રમુખ શ્રી નલીનભાઇ અજાણી તથા ટ્રસ્ટી ગણે કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
