તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સુત્રાપાડાના વાણિયાવાવ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો
ખેડૂતોની રજૂઆત બાદ વન વિભાગે વાડી વિસ્તારમાં પાંજરૂ ગોઠવ્યું હતું પાંજરામાં ૩ થી ૫ વર્ષીય માદા દીપડો ઝડપાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: સુત્રાપાડા શહેર નજીકના વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળતી હોવાના પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને વાડી વિસ્તારમાં ખેતીકામ માટે જતા ખેડૂતોને દીપડાની હાજરીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રાપાડાના વાણિયાવાવ નવનાથ મંદિર નજીક નિલેશ દેવશીભાઈ પંપાણીયાની માલિકીની વાડીમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. ગત રાત્રિના સમયે એક દીપડો પાંજરામાં આવી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત રીતે કબ્જામાં લીધો હતો. વન વિભાગની વિગતો મુજબ પાંજરે પુરાયેલ દીપડો અંદાજિત ૩થી ૫ વર્ષનો માદા દીપડો છે. આ દીપડો સુત્રાપાડા રાઉન્ડ અને સુત્રાપાડા બીટ હેઠળના વાણિયાવાવ વિસ્તારમાંથી નિલેશ દેવશીભાઈ પંપાણીયાની વાડીમાંથી પકડાયો હતો. ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે ૭ વાગ્યે દીપડો પાંજરામાં પુરાયો હોવાની જાણ થતાં સવારે ૮ વાગ્યે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી તેને કબ્જામાં લેવામાં આવ્યો હતો.
દીપડાને પકડવાની કામગીરી દરમિયાન સુત્રાપાડાના ફોરેસ્ટર એન.એન.છેલાણાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર તેમજ ડી.વી. મકવાણા સહિતનો સ્ટાફ, એક લેબર અને એક ટ્રેકર સ્થળ પર હાજર રહ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે કબ્જામાં લઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દીપડો પાંજરે પુરાતા વાણિયાવાવ સહિત આસપાસના વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડૂતોને રાહત થઈ છે. જોકે વિસ્તારમાં હજુ પણ અન્ય વન્યપ્રાણીઓની અવરજવર હોવાની શકયતાને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા અને વાડી વિસ્તારમાં એકલા ન જવા સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
