તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ધ્રોલના હમાપર ગામે આઈશ્રી મહાકાળી અને ખોડિયાર માતાજીનો ૨૪ કલાકનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે
ગૌ-સેવા અને લોક-કલ્યાણના અર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા હવન અને મહાપ્રસાદનું આયોજન; રાવળદેવ મેહુલભાઈ બોડા ડાકની રમઝટ બોલાવશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧પ :.. ધ્રોલ તાલુકાના હમાપર ગામે આગામી તા. ૨૦ એપ્રિલના રોજ આઈશ્રી મહાકાળી માતાજી તથા આઈશ્રી ખોડિયાર માતાજીની અસીમ કળપાથી એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મહાકાળી ગૌ સેવા મંડળ અને સમસ્ત હમાપર ગામ દ્વારા આયોજિત આ ૨૪ કલાકના નવરંગ માંડવા અને હવનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
આ ધાર્મિક ઉત્સવની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, સંવત ૨૦૮૨ વૈશાખ સુદ-૩ ને સોમવાર, તા. ૨૦-૦૪-૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૬-૧૫ કલાકે શાષાોક્ત વિધિ સાથે થાંભલી રોપણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૯ કલાકે યજ્ઞ-હવનનો પ્રારંભ થશે. બપોરે ૧૨-૩૦ કલાકે બિંડુ હોમવાની વિધિ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે. આ પ્રસંગે બપોરે અને સાંજે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
માંડવાની વિશેષતા એ છે કે રાજકોટના સુપ્રસિદ્ધ રાવળદેવ મેહુલભાઈ બોડા અને તેમનું સાંજીદા ગ્રુપ માતાજીના ગુણગાન અને ડાકલાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં પંચના વિવિધ ભુવાશ્રીઓ આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. સમગ્ર વિધિ શાષાીશ્રી પરેશભાઈ નવીનચંદ્ર ઠાકર (હમાપર) દ્વારા સંપન્ન કરાવવામાં આવશે.
મંગળવાર, તા. ૨૧ એપ્રિલના રોજ સવારે થાંભલી વધાવવાની વિધિ સાથે આ ૨૪ કલાકના ભક્તિમય અનુષ્ઠાનની પૂર્ણાહુતિ થશે. હમાપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગૌ સેવા મંડળ દ્વારા આ દિવ્ય પ્રસંગે પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
