<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

પોરબંદરના મોચા ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ‘મરિન બાયોટેકનોલોજી કોરિડોર’ વિકસાવાશે : ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને મળશે નવું બૂસ્ટર

ભાવનગર ખાતે GSBTM અને CSIR-CSMCRI વચ્ચે શુક્રવારે MoU થશે : દરિયાઈ સંસાધનોમાંથી ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનો તૈયાર કરી આજીવિકા તથા રોજગારીની નવી તકો ઊભી કરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને નવો વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે 'મરિન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર' (M-BRIC) વિકસાવવામાં આવશે. આ મરિન કોરિડોરની સ્થાપના માટે ૯ ઓક્ટોબરે ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને CSIR-CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

દરિયાઈ સંસાધનોનું મૂલ્યવર્ધન અને નવીન ઉત્પાદનો:
આ કોરિડોરનો મુખ્ય હેતુ રાજ્યના સમૃદ્ધ દરિયાઈ જૈવિક સંસાધનોનો ઉપયોગ કરી ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ઉત્પાદનો, નવા ઉદ્યોગો અને તટીય સમુદાયો માટે ટકાઉ આજીવિકા ઊભી કરવાનો છે. GSBTMની આ પહેલ દરિયાઈ વિજ્ઞાન, સંશોધન, ખેતી, પાયલટ-સ્કેલ બાયોમેન્યુફેક્ચરિંગ, સાહસિકતા અને વ્યાપારીકરણને જોડતી એક આખી સંકલિત ઈકોસિસ્ટમ તૈયાર કરશે. સીવીડ, માઇક્રોએલ્ગી અને ખારાશવાળી ઈકોસિસ્ટમમાંથી જીનોમિક્સ તથા બાયોપ્રોસેસિંગ જેવી અદ્યતન ટેકનોલોજી વડે બાયોફર્ટિલાઇઝર્સ, ન્યુટ્રાજ્યુટિકલ્સ, કોસ્મેસ્યુટિકલ્સ, આક્વાફીડ, ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ તેમજ અગર, અલ્ગિનેટ અને કેરેજીનન જેવા મૂલ્યવાન પદાર્થોનું સંશોધન અને ઉત્પાદન કરવામાં આવશે.

મોચા ખાતે ૩૦ એકરમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન હબ:
પોરબંદરના મોચા ખાતે આ આખો કોરિડોર ૩૦ એકર વિસ્તારમાં પથરાયેલો હશે, જેમાં ૧૦ એકરનું રિસર્ચ કેમ્પસ અને ૨૦ એકરનો ઔદ્યોગિક ઝોન રહેશે. રિસર્ચ કેમ્પસમાં વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમની સુવિધાઓ હશે, જ્યારે ઔદ્યોગિક ઝોનમાં પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ અને ક્વોલિટી-કંટ્રોલ માટેનું માળખું ઊભું કરાશે. આ ઉપરાંત કાચો માલ મેળવવાથી લઈને પેકેજિંગ સુધીની તમામ સુવિધાઓ ધરાવતું એક સમર્પિત સીવીડ-પ્રોસેસિંગ ક્લસ્ટર પણ તૈયાર કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને કૌશલ્ય વિકાસ:
M-BRIC ખાતે ઉત્કૃષ્ટ રોપા સામગ્રી પૂરી પાડવા માટે રાજ્ય-સ્તરની સીવીડ બ્રૂડ બેંકની સ્થાપના કરાશે. આ કોરિડોર નવતર સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન અને બાયોમેન્યુફેક્ચરિંગની સુવિધાઓ આપશે. ભાવનગરની CSIR-CSMCRI આ પ્રોજેક્ટમાં મુખ્ય વૈજ્ઞાનિક જ્ઞાન ભાગીદાર (નોલેજ પાર્ટનર) તરીકે સેવાઓ આપશે. ઔદ્યોગિક વિકાસની સાથે દરિયાકાંઠાના યુવાનો, ખેડૂતો, મત્સ્ય સમુદાય અને મહિલા સાહસિકોને તાલીમ આપવામાં આવશે. પ્રથમ પાંચ વર્ષમાં આશરે ૧,૦૦૦થી ૧,૫૦૦ લોકોને તાલીમ આપીને સ્થાનિક સ્તરે આજીવિકાની નવી તકો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

(11:13 AM IST)