<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ચોટીલાના રૂપાવટી ગામે શોર્ટ સર્કિટથી ખેતરમાં ભીષણ આગઃ બે બળદ જીવતા ભૂંજાયા

સૂકા ઘાસ અને લાકડાના જથ્‍થાએ આગને બનાવ્‍યો વિકરાળઃ એક ભેંસ ગંભીર રીતે દાઝીઃ નીરણ અને લાકડાનો જથ્‍થો બળીને ખાખ

વઢવાણ તા.૧૨: ચોટીલા તાલુકાના રૂપાવટી ગામે શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ખેતરમાં બાંધેલા બે બળદ જીવતા ભુંજાઈ ગયા હતા, જ્‍યારે એક ભેંસ ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ખેડૂત કમાભાઈ કરસનભાઈના ખેતરમાં શોર્ટ સર્કિટ થયું હતું. ખેતરમાં સૂકું ઘાસ (નીરણ) અને લાકડાનો મોટો જથ્‍થો પડ્‍યો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું. સૂકા લાકડા અને નીરણના કારણે આગની જ્‍વાળાઓ ઝડપથી ફેલાઈ હતી.

આ દુર્ઘટનામાં ખેતીકામમાં ઉપયોગી એવા બે બળદ આગની લપેટમાં આવી જતાં ઘટનાસ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યા હતા. આ ઉપરાંત, એક ભેંસ પણ આગમાં ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પશુઓ ઉપરાંત ખેડૂતની ખેતરમાં રાખેલી નીરણ અને લાકડાનો જથ્‍થો પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો

આગ વધુ વિકરાળ બને અને બાજુમાં આવેલા રહેણાંક મકાનો સુધી પહોંચે તે પહેલાં જ ગ્રામજનોએ તાત્‍કાલિક ચોટીલા ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ ઘટનાસ્‍થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્‍યો હતો. ફાયર ફાઈટરની સમયસૂચકતાને કારણે આગ મકાન સુધી પહોંચતા અટકી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.

આ ઘટનાને પગલે સ્‍થાનિક પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે અને ખેડૂતને થયેલા આ આર્થિક અને પશુધનના નુકસાન બદલ વળતરની માંગ ઉઠી રહી છે.

(1:23 PM IST)