<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

મુન્દ્રા નજીક ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી: કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા

આગ ઝડપથી ફેલાઈ કે, જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું: ટાયર પ્લાસ્ટિક અને રબરના હોવાના કારણે આગે જોર પકડ્યું:ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે

કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે આવેલા એક ટાયરના ગોડાઉનમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે, જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. ટાયર પ્લાસ્ટિક અને રબરના હોવાના કારણે આગે જોર પકડ્યું હતું અને કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને દોડધામનો માહોલ સર્જાયો છે.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ મુન્દ્રા અને આસપાસની ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. ગોડાઉનમાં રાખેલો ટાયરનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, પરંતુ ફાયર સબંધી સ્ટાફ દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાના કારણે અંદર રાખેલો લાખો રૂપિયાનો ટાયરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ કારણોસર, તે આગ ઓલવાયા બાદ પોલીસ અને એફએસએલની તપાસ પછી જ સ્પષ્ટ થશે. હાલ તંત્રનું મુખ્ય ફોકસ આગ પર વહેલી તકે કાબૂ મેળવવાનું છે.

 

 

(7:41 PM IST)